ધો.10 અને 12નો અભ્યાસ અન્ય રાજ્યોમાંથી પાસ કરનાર વિદ્યાર્થીની અરજી હાઇ કોર્ટે ફગાવી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.29: ગુજરાત હાઇ કોર્ટે
તબીબી અભ્યાસ (એમબીબીએસ)માં પ્રવેશ ક્વોટા અંગે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાતમાં
જન્મેલા વિદ્યાર્થીએ પિતાની બેન્ક નોકરીની બદલીને કારણે ધો. 10 અને ધો.12 રાજ્ય બહાર
પાસ કર્યા હોય, તો તેને રાજ્યના ડોમિસાઇલ ક્વોટાનો લાભ મળી શકે નહીં. આવા વિદ્યાર્થીઓને
ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ જ પ્રવેશ લેવો પડશે તેમ ગુજરાત હાઇ કોર્ટે ચુકાદામાં જણાવ્યું
છે. શિડ્યુલ કાસ્ટ કેટેગરીના એક વિદ્યાર્થીના કેસમાં હાઈકોર્ટની ખંડપીઠે અગાઉના સિંગલ
જજના ચાકાદાને સમર્થન આપ્યું હતું.
ખાનગી બેન્કમાં ફરજ બજાવતા એસ.સી. કેટેગરીના એક અધિકારીના
પુત્રનો જન્મ ગુજરાતમાં થયો હતો. પિતાની બદલી મહારાષ્ટ્રના પૂણે ખાતે થતાં તેણે ધોરણ
10 અને 12નું ભણતર ત્યાંથી પૂરું કર્યું હતું. ત્યારબાદ તેણે નીટ પરીક્ષામાં શ્રેષ્ઠ
ગુણ મેળવ્યા. વિદ્યાર્થીએ ગુજરાતના સ્ટેટ ક્વોટા હેઠળ મેડિકલમાં પ્રવેશ માટે અરજી કરી
હતી પરંતુ રાજ્યના પ્રવેશ નિયમો મુજબ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. તંત્રના આ
નિર્ણય સામે વિદ્યાર્થીએ હાઇ કોર્ટના સિંગલ જજ સમક્ષ પિટિશન દાખલ કરી હતી. સિંગલ જજે
અરજી ફગાવી દેતાં આ નિર્ણયને ડિવિઝન બેન્ચમાં પડકારવામાં
આવ્યો હતો.
ડિવિઝન બેન્ચ સમક્ષ અરજદાર તરફથી
દલીલ કરાઈ હતી કે, પિતાની બદલી નોકરીના ભાગરૂપે તેને સ્થાનિક ક્વોટાથી વંચિત રાખવો
અન્યાયી છે. રાજ્ય સરકારના પક્ષે વકીલોએ સ્પષ્ટ કર્યું કે, માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ
કે જેઓ ડેપ્યુટેશન પર બહાર ગયા હોય અથવા ઓએનજીસી અથવા નૌસેના જેવા અમુક ચોક્કસ સરકારી
સંસ્થાઓના કર્મચારીઓનાં બાળકોને જ આવી છૂટછાટ મળે છે. અન્ય બેન્ક કે સંસ્થાઓના બદલીપાત્ર
કર્મચારીઓ માટે આ સવલત નથી.
ડિવિઝન બેન્ચે પણ સિંગલ જજના ચુકાદાને બહાલી આપતાં
ઠેરવ્યું કે, ધો. 10 અને 12 રાજ્ય બહાર પાસ કરનારને વર્તમાન નીતિ મુજબ સ્થાનિક વિદ્યાર્થી
ગણી શકાય નહીં. આવા વિદ્યાર્થીઓએ માત્ર ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ જ પ્રવેશ મેળવવો પડશે.