• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા તરણેતરના લોકમેળાનો પ્રારંભ થયો

 નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી લોકમેળો ખૂલ્લો મુકયો   

 

સુરેન્દ્રનગર, તા.18 : કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાણત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો.

તરણેતર લોકમેળાને ખુલ્લો મુક્યા બાદ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં આવતા લોકોને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી રહે અને તેમનામાં જાગૃતિ આવે તે માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા અહિ પ્રદર્શનો પણ ગોઠવવામાં આવે છે. આ સાથે મેળાના આકર્ષણ સમા ગ્રામિણ ઓલમ્પિકસનો શુભારંભ કરાવ્યો હતો. દંડકના હસ્તે 3000 મીટર દોડમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાને આવેલા ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કોર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો સુરત દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્દઘાટન કરાયું હતુ.

 

પ્રથમ દિવસે જ વરસાદ ખેલાડીઓ માટે વિઘ્ન બન્યો

ચોટીલા, તા.18 : તરણેતર લોકમેળામાં ઉદઘાટનનાં પ્રથમ દિવસે જ ધંધાર્થીઓ અને ગ્રામીણ ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા ગયેલા વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે વરસાદ વિઘ્ન બન્યો હતો. જો કે, કેટલીક રમતો ચાલુ વરસાદમાં રમાડવામાં આવી હતી. એક તરફ વરસાદ અને એક તરફ આયોજનની ક્ષતીઓ જોવા મળી હતી. ખાસ કરીને ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેનાર બાળકોને પણ તેમનું વાહાન એકાદ કીમી દુર ખાનગી પાર્કિંગમાં પાર્ક કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત સ્પર્ધકો માટે પાયાગત સુવિધાનો પણ અભાવ હતો, જેમા પીવાના પાણી, સેનીટેશન અને બેસવાની કોઈ વ્યવસ્થા ન હતી.