(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.17 : અમદાવાદના જુહાપુરામાં બંગલાના ભોંયરામાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાતાં
સ્થાનિક પોલીસના ઇન્ટેલિજન્સ નેટવર્કની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
પોલીસ પેટ્રાલિંગ અને પોલીસના બાતમીદારોનું નેટવર્ક હોવા છતાં અઢી વર્ષથી આ ડ્રગ ફેક્ટરી
ધમધમતી હોવાનીની ગંધ પણ કેમ ન આવી, તેવો ગંભીર સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અમદાવાદ ઝોનલ યુનિટે
જુહાપુરાના લેબેક પાર્ક વિસ્તારમાં આવેલા એક બંગલાના ભોંયરામાં દરોડો પાડીને ડ્રગ બનાવવાની
ફેક્ટરી ઝડપી લીધી હતી. આ કેસમાં આરોપી મુદ્દસર ખાન પઠાણની ધરપકડ કરાઈ હતી અને તેની
પાસેથી 130 કિલો કેમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. કોર્ટે આરોપીના એક દિવસના
રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જ મધ્યપ્રદેશના ડ્રગ માફિયાઓ સાથેનાં
તાર જોડાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
મધ્ય
પ્રદેશના મંદસોર અને નીમચ ઉપરાંત ઉત્તર પ્રદેશના બારાબંકી સાથે જોડાયેલા ડ્રગ માફિયાના
નામ ખૂલ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. આ નેટવર્ક દ્વારા ગુજરાત, મધ્ય પ્રદેશ,
રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એમડી ડ્રગ સપ્લાય કરવામાં આવતું હોવાનું જણાયું છે. એમડી
ડ્રગ બનાવવા માટે જરૂરી કેમિકલ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી પણ સપ્લાય
થતાં હતા.
ગુજરાત
તેમજ અન્ય રાજ્યોના શહેરોમાં
રેવ
પાર્ટીમાં ડ્રગ્સ પહોંચાડાતું હોવાની શંકા
ગુજરાત
ઉપરાંત મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા શહેરોની રેવ પાર્ટીઓમાં યુવાધનને
એમડી ડ્રગ પહોંચાડવામાં આવતું હોવાની આશંકા છે. આરોપી મુદ્દસરની માતાએ દાવો કર્યો છે કે, અગાઉ તેનો દીકરો અનેક કેફે
ધરાવતો હતો પરંતુ શિવાલિંગમ નામના શખસ જોડે રહીને તે આડામાર્ગે વળ્યો હતો. શિવાલિંગમે
ઘર અને કેફે પડાવી લીધા હતા અને નાણાં ડૂબવાના તણાવમાં તે ડ્રગ્સ તરફ વળ્યો હોઈ શકે.
પોલીસ હવે આ ડ્રગના કાળા કારોબારમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરી રહી
છે.