મનીલામાં યોજાયેલી ક્વાડ નેતાઓની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ભાગીદારીના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો
નવી દિલ્હી, તા.17: ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં યોજાયેલી
ક્વાડ નેતાઓની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ભાગીદારીના મહત્વ પર
વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત કવાડ સમૂહને રચનાત્મક અને વિશ્વસનીય
ભાગીદારી તરીકે જુએ છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન દરિયાઈ સુરક્ષા, વિશ્વસનીય
સપ્લાય ચેઈન, નવી ટેકનોલોજી અને આપત્તિ વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પરસ્પર
સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે ક્વાડનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ઈન્ડો-પેસિફિક
ક્ષેત્ર માટે નક્કર અને ભરોસાપાત્ર ઉકેલો પૂરા પાડવાનો છે.
મનીલા સાથે ક્વાડના ઐતિહાસિક જોડાણને યાદ કરતા વડાપ્રધાન
મોદીએ જણાવ્યું કે, તમામ મિત્રોને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. મનીલાનો ક્વાડ
સાથે જૂનો અને વિશેષ નાતો રહ્યો છે. વર્ષ 2007માં ચારેય દેશોના અધિકારીઓ પહેલીવાર અહીં
જ મળ્યા હતા. ત્યારબાદ દસ વર્ષ પછી, 2017માં આ જ શહેરમાં આપણે આપણો સંવાદ ફરીથી શરૂ
કર્યો હતો. આ ઐતિહાસિક શહેરમાં ફરી એકવાર ક્વાડની બેઠક યોજાવી એ એક અત્યંત મહત્વપૂર્ણ
પડાવ છે.
સદસ્ય દેશો વચ્ચે સતત વધી રહેલા સહયોગનો ઉલ્લેખ કરતા પીએમ
મોદીએ કહ્યું કે ગત વર્ષના જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં આપણા વિદેશ મંત્રીઓ પાંચ
વખત મળી ચૂક્યા છે, જે આપણી ભાગીદારી પ્રત્યેની રાજકીય ઈચ્છાશક્તિ અને સહિયારી પ્રતિબદ્ધતાનો
જીવંત પુરાવો છે. ક્વાડ દેશોનો પરસ્પર સહયોગ માત્ર બેઠકો પૂરતો સીમિત નથી, પરંતુ તેનો
મુખ્ય હેતુ સમગ્ર ક્ષેત્રના સહિયારા પડકારોનો યોગ્ય ઉકેલ શોધવાનો પણ છે.