• બુધવાર, 18 નવેમ્બર, 2026

વિપક્ષના 48 સવાલ : પંચ વાંધા રજૂ કરે પછી જ સુનાવણી

સુપ્રીમ કોર્ટે કહ્યું, ચૂંટણી પંચ વાંધા

રજૂ ન કરે ત્યાં સુધી સુનાવણી થશે નહીં

નવીદિલ્હી, તા.17 : મતદાર યાદીના વિશેષ ઘનિષ્ટ સુધારણા કાર્યક્રમ(સર) પ્રક્રિયામાં ગેરરીતિઓના આરોપો સાથે જોડાયેલી અરજીઓ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા ‘ઇન્ડિયા’ ગઠબંધનના અન્ય નેતાઓ દ્વારા પૂછવામાં આવેલા 48 સવાલ અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી ચૂંટણી પંચ આ અરજી સામે પોતાના વાંધા રજૂ નહીં કરે ત્યાં સુધી તે આ મામલે સુનાવણી કરી શકે નહીં.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કહ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા અરજી સામે વાંધા દાખલ કર્યા બાદ બેન્ચ 9 ડિસેમ્બરે આ મામલે સુનાવણી કરશે. ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની આ અરજી સામે ચૂંટણી પંચને ગંભીર વાંધાઓ છે.

સાલ્વેએ કહ્યું હતું કે, અમારે આ અંગે કંઈક કહેવાનું છે. આ અરજીમાં ગંભીર પૂર્વગ્રહ રહેલો છે. આના પર સીજેઆઇ સૂર્યકાંતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ભલે ગમે તે હોય, તમે તમારો જવાબ દાખલ કરી શકો છો. તમે તમારા વાંધાઓ રજૂ કરી શકો છો. અમે આ સવાલોના મુદ્દા પર વિચાર કરીશું અને ત્યારબાદ કોઈ નિર્ણય લઈશું.

રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબલ સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. કપિલ સિબલે રાહુલ ગાંધી અને ‘ઇન્ડિયા’ ગઠબંધનના અન્ય નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી 48 સવાલોવાળી અરજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે ચૂંટણી પંચ પાસેથી કેટલાક સવાલોના જવાબ માગી રહ્યા છીએ. આ દરમિયાન પંચ તેમના જવાબ આપી શકે છે. આના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, અમે એક તારીખ નક્કી કરી રહ્યા છીએ. તમારા સવાલો સંબંધિત અરજી પર પણ તે દિવસે સુનાવણી કરીશું અને ત્યારબાદ તેના પર નિર્ણય લઈશું.

 

ઇ-પેપરના નવા શુલ્ક