• બુધવાર, 18 નવેમ્બર, 2026

ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નથી, ગુજરાત પોલીસ એક્શન મોડમાં !

DGP જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ; ડ્રગ્સ પેડલર્સ અને નેટવર્ક પર કડક કાર્યવાહી કરવા આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 17: રાજ્ય અને દેશમાં વધી રહેલા નશાના કાળા કારોબારને ડામવા માટે ગુજરાત પોલીસ દ્વારા હવે આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રગ્સ ફ્રી ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાંથી ડ્રગ્સ અને નશીલા પદાર્થોના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં સક્રિય ડ્રગ્સ પેડલર્સ, તેમના ગેરકાયદે નેટવર્ક અને નશીલા પદાર્થોની હેરાફેરી અંગેની વિગતો મેળવી પોલીસ વડાએ આગામી કાર્યવાહી માટેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

સરહદ અને દરિયાકાંઠે

સુરક્ષા વધુ સઘન બનાવાશે

રાજ્યના સરહદી વિસ્તારો તેમજ દરિયાકાંઠાના માર્ગે ઘૂસાડવામાં આવતા નશીલા પદાર્થોના વેપાર પર વિશેષ નજર રાખવા પોલીસને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરીને સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે સંબંધિત એજન્સીઓને વધુ સતર્ક રહેવા જણાવાયું છે.

ડ્રગ્સ માફિયાઓની સંપત્તિ

જપ્ત કરવા પણ કાર્યવાહી

ડ્રગ્સના કાળા કારોબારને માત્ર ધરપકડ પૂરતો સીમિત ન રાખતાં તેની પાછળના આર્થિક નેટવર્ક પર પણ પ્રહાર કરવાની દિશામાં ભાર મૂકવામાં આવ્યો હતો. ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવા તેમજ ગુનામાંથી ઊભી કરવામાં આવેલી સંપત્તિ જપ્ત કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા.

યુવાધનને નશાના દૂષણથી બચાવવા કડક પગલાં

આજના સમયમાં યુવાધન ઝડપથી નશાની લતનો ભોગ બની રહ્યું હોવાની ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને યુવાનોને નશાના રવાડે ચઢાવતા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડ્રગ્સના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિને, પછી તે ગમે તેટલી વગ ધરાવતી હોય, છોડવામાં નહીં આવે તેવી કડક સૂચના ઉઋઙ દ્વારા આપવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક