• બુધવાર, 18 નવેમ્બર, 2026

અમેરિકા ઉપર ડર્ટી બોમ્બ દાગવાની તૈયારીમાં ઈરાન?

-દુનિયામાં ફફડાટ : ટ્રમ્પ વહીવટીતંત્રના અનેક મોટા અધિકારી નિશાને હોવાનાં ગુપ્તચર અહેવાલથી ખળભળાટ

નવી દિલ્હી, તા.17: અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધમાં હવે આખી દુનિયાને સ્તબ્ધ રાખી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી અમેરિકામાં ભયનું લખલખું પસાર થઈ ગયું છે. અહેવાલો અનુસાર, ઈરાન ટૂંક સમયમાં અમેરિકા પર મોટો હુમલો કરી શકે છે. જોકે, આ હુમલો અન્ય હુમલાઓની જેમ મિસાઇલ કે ડ્રોન દ્વારા નહીં થાય. ગુપ્તચર માહિતી અનુસાર, ઈરાન અમેરિકા પર ડર્ટી બોમ્બથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને આવા સંભવિત હુમલા અંગે માહિતી મળી છે. ઈરાન વાશિંગ્ટન પર ડર્ટી બોમ્બ(રેડિયોલોજીકલ બોમ્બ) અથવા કેમિકલ (રાસાયણિક) હથિયારથી હુમલો કરી શકે છે. આ હુમલામાં ટ્રમ્પ વહીવટીતંત્રના અનેક મોટા અધિકારીઓને નિશાન બનાવવાની યોજના હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

કેટલાક ગુપ્તચર સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ઈરાને અમેરિકા પર હુમલો કરવા માટેનાં લક્ષ્યો પણ પસંદ કરી લીધાં છે. આ સમાચાર સામે આવતાં જ અમેરિકામાં સુરક્ષા વ્યવસ્થા સતર્ક થઈ ગઈ છે. કેટલાક અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ મામલે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવામાં આવી રહી નથી. ઉચ્ચ સ્તરે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.

અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ છેલ્લા એક સપ્તાહ દરમિયાન કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે વૈકલ્પિક યોજનાઓ પર કામ પણ શરૂ કરી દીધું છે. ઈરાનથી સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે સિક્રેટ સર્વિસને નાણામંત્રી સ્કોટ બેસેન્ટના નિવાસસ્થાને તૈનાત કરવામાં આવી છે.

આ મામલે વ્હાઇટ હાઉસનું નિવેદન પણ સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા લોરેન બિસે તાજેતરમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, અમે તમામ સંભવિત જોખમો પર નજર રાખી રહ્યા છીએ.જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં દેશ સામે કોઈ મોટું જોખમ નથી.

અહેવાલમાં અન્ય એક અધિકારીને ટાંકીને જણાવાયું છે કે ગુપ્તચર એજન્સીઓ હજુ પણ એ અંગે ચર્ચા કરી રહી છે કે ઈરાન પાસે આ પ્રકારનું ઓપરેશન પાર પાડવાની ક્ષમતા છે કે નહીં અને શું તે ખરેખર ડર્ટી બોમ્બથી હુમલો કરી શકે છે?

 

ઇ-પેપરના નવા શુલ્ક