• સોમવાર, 06 મે, 2024

પાકિસ્તાનની જેલમાં સજા પૂરી થવા છતાં 148 માછીમાર હજુ કેદ : હાલત ગંભીર

તા.30મીએ 35 માછીમારોને મુક્ત કરવાની જાહેરાત સમયે જ એક ખલાસીએ પત્ર લખ્યો કે, ‘અમને છુપાવી રાખ્યા છે, તબિયત લથડી ગઈ છે...’

પોરબંદર, તા. 25 : પાકિસ્તાનની મરિન સિક્યુરિટી એજન્સી દ્વારા ઉઠાવી જવામાં આવેલા અને પાકિસ્તાનની  જેલમાં પૂરી દેવામાં આવેલા ભારતીય ખલાસીઓ પૈકી 35 માછીમાર અને 1 સિવિલિયન સહિત 36 લોકોને પાકિસ્તાન સરકાર 30મી એપ્રિલે મુક્ત કરશે. જો કે, આવા સમયે જ ત્યાં કેદ એક ખલાસીએ પત્ર લખ્યો છે કે, ‘અમને 148 માછીમારોને પાકિસ્તાનની નર્કાગાર જેલમાં સજા પૂરી થવા છતાં છોડાતા નથી અને છુપાવી રાખ્યા છે, અમારી હાલત ગંભીર છે.’

પોરબંદર માછીમાર બોટ એસો.ના પૂર્વપ્રમુખ અને ખારવા સમાજના અગ્રણી જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની મરિન સિક્યુરિટી એજન્સી દ્વારા અનેક ભારતીય માછીમારોને બંદીવાન બનાવવામાં આવે છે તેમાં સૌથી વધુ માછીમારો ગુજરાતના હોય છે ત્યારે હાલ પાકિસ્તાની જેલમાં સબડી રહેલા માછીમારો પૈકી 36 જેટલા લોકોને પાકિસ્તાનની જેલમાંથી 30 એપ્રિલના મુક્ત કરવામાં આવશે. જેમાં 35 માછીમારો છે અને 1 સીવીલીયન હોવાનું જાણવા મળ્યુ છે. પાકિસ્તાન દ્વારા ઉઠાવી જવામાં આવેલા માછીમારો પૈકી વર્ષ 2022-23માં જે ખલાસીઓને ઉપાડી જવામાં આવ્યા હતા તે પૈકીના આ 36 હોવાનું સામે આવ્યું છે.

વધુમાં, પાકિસ્તાનની જેલમાં બંદીવાન માછીમારો પૈકી વર્ષ 2021માં પકડી જવામાં આવેલા અનેક માછીમારોને હજી મુક્ત કરવામાં આવ્યા નથી. તેમની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરીમાં કોઇ કારણસર વિલંબ થયો હોવાથી અને તેમની ઓળખ અંગેની કામગીરી નહીં થઈ હોવાથી છોડવામાં આવ્યા નથી, તેવા તંત્રનાં દાવા વચ્ચે પાકિસ્તાની જેલમાં કેદ જીતેશ લખમણ નામનાં એક માછીમારે પત્ર મોકલીને તેઓ 148 ખલાસીઓની સજા પૂરી થઈ ગઈ હોવા ઉપરાંત કોર્ટનો આદેશ હોવા છતાં ઘણા મહિનાઓથી છૂપાવીને રાખ્યા છે અને બધાની તબીયત લથડી ગઈ હોવાની પીડા વ્યક્ત કરી છે, જે ઘણી ગંભીર છે.

ચાલુ વર્ષે રાહત : સૌથી ઓછા માછીમારોનાં થયાં અપહરણ

ગુજરાતનાં દરિયામાં માછીમારોનાં અપહરણમાં ચાલુ વર્ષે રાહત રહી છે. વર્ષ 2023 અને વર્ષ 2024ની માછીમારીની સીઝન દરમિયાન સૌથી ઓછી ફિશિંગ બોટોના અપહરણ પાકિસ્તાન દ્વારા થયા હોવાનું જાણવા મળ્યું છે. માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે અંદાજે ચારથી પાંચ બોટ અને 25 જેટલા માછીમારોના ચાલુ સીઝનમાં અપહરણ થયાં છે.

સેંકડો માછીમારો મુક્ત, પણ બોટો છોડાવવામાં નિષ્ફળતા 

પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવતા માછીમારોને ક્રમશ: મુક્ત કરવામાં આવે છે પરંતુ અપહરણ કરી જવાયેલી કરોડો રૂપિયાની ફિશિંગ બોટો પાકિસ્તાનમાંથી છોડવામાં આવતી નથી. છેલ્લે વર્ષ 2013માં 56 જેટલી ગુજરાતની બોટ મુક્ત થઈ હતી. હાલ 1188  બોટ તેના કબજામાં છે. માછીમારી ઉદ્યોગ પાયમાલીના પંથે ધકેલાઇ જવા પાછળનું આ પણ એક કારણ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક