• રવિવાર, 05 મે, 2024

ઈતિહાસમાં પહેલી વખત રાજકોટના બે વિદ્યાર્થી જેઇઇમાં બન્યા ગુજરાત ટોપર્સ મીત પારેખ ઓલ ઇન્ડિયામાં 28મા, હર્ષલ કાનાણી ઓલ ઇન્ડિયામાં 44મા ક્રમે

રાજકોટ, તા. 25 (ફૂલછાબ ન્યૂઝ) : નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજરોજ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પરીક્ષા જોઈન્ટ એન્ટ્રન્સ  એક્ઝામ (જેઇઇ) મેઇન્સ 2024નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં જ અભ્યાસ કરીને બે વિદ્યાર્થીઓ ગુજરાતમાં ટોપર્સ રહ્યા છે. અગાઉ કોરોના પહેલા રાજકોટનો નિશાંત અભાંગી ઓલ ઇન્ડિયામાં 6ઠ્ઠા ક્રમે આવ્યો હતો. જોકે તેણે કોટામાં અભ્યાસ કર્યો હતો.

રાજકોટના મીત પારેખે જેઇઇ મેઇન્સમાં ઓલ ઇન્ડિયા લેવલે 28મો અને હર્ષલ કાનાણીએ ઓલ ઇન્ડિયામાં 44મો રેન્ક મેળવવા સાથે ગુજરાતમાં ટોપ કર્યું છે. આ બન્ને વિદ્યાર્થીઓએ મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ત્રણે વિષયમાં 100માંથી 100 પીઆર મેળવ્યા છે. આ ઉપરાંત રાજકોટની જ દ્વિજા પટેલે મેથ્સમાં 100માંથી 100 પીઆર મેળવવા સાથે ઓલ ઇન્ડિયામાં 58મો રેન્ક મેળવ્યો છે.

રાજકોટ એલેન ઇન્સ્ટિટયૂટના વડા અમૃતાશ મુખર્જીએ જણાવ્યું હતું કે, રાજકોટ-સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં ઘણું ટેલેન્ટ છે. તેમને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તો તેઓ દેશ-વિદેશમાં નામના મેળવી શકે છે.

વિકાસ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતી માધ્યમમાં ભણીને પણ મહેનતુ વિદ્યાર્થી જેઇઇમાં સારું પરિણામ મેળવી શકે છે. રાજકોટના જ બે વિદ્યાર્થી દીપેન સોજીત્રા અને દર્શન સોરઠિયા ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે છતાં તેઓ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 3 હજારની અંદર ક્રમ મેળવી શક્યા છે.

પહેલા નંબરે આવતા પુત્ર મિતને પિતાએ કહ્યંy બીજા નંબરે આવ તો પેંડા વહેંચીશ

જેઇઇ મેઇન્સમાં ઓલ ઇન્ડિયા 28મા રેન્ક પર આવેલા મિતના પિતા વિક્રમભાઈ પારેખ માર્કેટિંગનું કામ કરે છે અને મોટાભાગે ટૂર પર રહેતા હોય છે. મિતના અભ્યાસ માટે તેનાં માતા જ્યોતિબેને ઘણો પરિશ્રમ વેઠયો છે. વિક્રમભાઈ પારેખે જણાવ્યું હતં કે ધો.1થી 7 મિત સ્કૂલમાં પ્રથમ જ આવતો. મને લાગ્યું કે એનો કોઈ બળાબળનો સ્પર્ધક નથી. માટે મેં તેને તેનાં સ્તરની સ્પર્ધા મળે માટે કહ્યું હતું કે તું બીજા નંબરે આવીશ તો પેંડા વહેંચીશ. મીત સખત મહેતન કરીને ગુજરાતમાં જેઇઇ ટોપર બન્યો છે.

હર્ષલ કાનાણીને એરોનોટિકલ એન્જિનિયરિંગમાં આગળ વધવું છે

હર્ષલ કાનાણીએ ઓલ ઇન્ડિયામાં 44મો રેન્ક મેળવ્યો છે. તે ભવિષ્યમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગે છે. હર્ષલ કાનાણીના પિતા ભરત કાનાણી વેપારી છે અને માતા ધર્મિષ્ઠાબેન ગૃહિણી છે. હર્ષલ કાનાણીએ જણાવ્યું હતું કે જેઇઇમાં સારા રેન્ક સાથે તેની પસંદગી બદલ તે ખુશ છે અને તે ભગવાન, માતા-પિતા અને તેના ફેકલ્ટીઓનો ખૂબ આભારી છે

 

ઇ-પેપરના નવા શુલ્ક