રાજકોટ, તા.ર8 : શરાફી મંડળી-ખાનગી
કંપનીઓમાં રોકાણ-ટાસ્ક પૂર્ણ કરવાના બહાને અને ઉંચા વળતર આપવાની લાલચ આપી ઠગાઈ કરવામાં
આવતી હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે ત્યારે એક ડઝન રોકાણકારોને અલગ અલગ સ્કીમના
ઓઠા હેઠળ વકીલ પિતા-પુત્ર સહિત ચાર શખસોએ રૂ.ર.90
કરોડની ઠગાઈ આચરી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી ઝડપી લેવા
દોડધામ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, કુવાડવા
રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ગુણવતભાઈ મોહનભાઈ લુણાગરીયા નામના આધેડએ દોઢસો ફુટ
રીગ રોડ પર અમી પાર્કમાં રહેતા વકીલ પ્રવિણ મગનલાલ મગદાણી, તેનો પુત્ર દર્શીત, પ્રવિણનો
ભાઈ ભાવીન અને રાકેશ કાંતીલાલ વાયા સહિતના શખસોએ રૂ.ર.90 કરોડની ઠગાઈ આચરી ફરાર થઈ
ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી
તપાસમાં ફરિયાદી ગુણવંત લુણાગરીયા તેના મિત્ર અમીત જેસળીયાની ઓફિસે બેસવા જતા હોય ત્યારે
વકીલ પ્રવિણ મગદાણીનો પરીચય થયો હતો અને ર0ર1ની સાલમાં વકીલ પ્રવિણે શ્રી લક્ષ્મીનયના
કો.ઓ.ક્રેડીટ સોસાયટી શરૂ કરી હોય તેમાં ડેઈલી બચતમાં સારું વળતર મળશે તેવી વાત કરી
હતી અને રોકાણ કરવાનું જણાવ્યું હતું અને સોજીત્રાનગરમાં આવેલી વકીલ પ્રવિણની ઓફિસે
મળવા ગયા હતા ત્યારે મડળીના ચેરમેન ડીરેકટર પ્રવિણ તથા તેનો ભાઈ ભાવીન સહિતનાએ સ્કીમ
સમજાવી હતી અને ડેઈલી બચતમાં રૂ.પ00 નું ખાતુ ખોલાવી રૂ.9.90 લાખનું રોકાણ કર્યું હતું.
ત્યાર બાદ ર014માં વકીલ પ્રવિણે
તેના પુત્ર ભાવીનએ રામા જવેલર્સ નામે ગોલ્ડ
સ્કીમ ચાલુ કરી હોય તેમાં સિલ્વર સ્ટોન જેમ્સ
અને જવેલરીના ડાયરેકર ભાવીન, દર્શીત તેમજ રાકેશ કાંતીલાલ વાયા હતા. આ ગોલ્ડ સ્કીમમાં
રોકાણ કરવા માટે સોનુ ખરીદવું હોય તો હપ્તા ભરવાના હોય અને 40 માસ બાદ ડબલની સ્કીમ
હોવાનું જણાવ્યું હતું. બાદમાં ગુણવંત બે ગ્રામ સોનાની ર4 કેરેટની બચત સ્કીમમાં જોડાયો
હતો. 40 માસ બાદ સોનુ મળ્યું નહોતું. બાદમાં વકીલ પ્રવિણે મંડળીની ઓફિસ બદલાવીને રૈયારોડ
પર ચંદનપાર્ક મેઈન રોડ પર શીવાલીકમાં રાખી હતી.
બાદમાં ર016ની સાલમાં વકીલ પ્રવિણના
પુત્ર દર્શીતે સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર-8માં આશુતોષ ફાયનાન્સ નામે પેઢી શરૂ કરી
હતી અને જેમાં રોકાણ કરી ઉચું વળતર આપવાની વાત કરી રૂ.3ર લાખનું રોકાણ કરાવ્યું હતું.
ત્યાર બાદ એક વર્ષ પછી ત્રણેય પેઢીઓ બંધ થઈ ગઈ હતી અને ગુણવંત લુણાગરીયાએ તપાસ કરતા
તેના ઉપરાત દીનેશ ભવાન લોખીલના રૂ.10 લાખ, પત્ની સ્વાતીબેનના રૂ.4 લાખ, મીતુલ ધીરજલાલ
સામાણીના રૂ.1ર લાખ, મીતુલના પિતા ધીરજલાલના રૂ.ર3 લાખ, સંજય દેવરાજ શીશાગીયાના રૂ.4
લાખ, સુરેશ રામજી રાંકજાના રૂ.પ.ર0 લાખ, સીમાબેન
અલ્કેશ મહેતાના રૂ.6 લાખ, ધવલ વિનોદરાય વેષ્ણવના રૂ.6 લાખ, રોહીત હેમત ચંદ્રાલાના રૂ.6.40
લાખ અને પીયુષ ઘનશ્યામ રાજયગુરુના રૂ.1.31 કરોડ
મળી એક ડઝન વ્યકિતઓ સાથે રૂ.ર.90 કરોડની
ઠગાઈ કરી વકીલ પિતા-પુત્ર અને ભાઈ સહિતની ટોળકી
ફરાર થઈ ગયાનું જાણવા મળ્યું હતું અને મામલો પોલીસમાં પહોંચ્યા હતો. પોલીસે વકીલ પિતા-પુત્ર
સહિતના ચારેય શખસોને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.