ભાવનગર, તા.ર9 : ભાવનગરમાં રહેતા
કોન્ટ્રાક્ટરે લોન મેળવવા 40 લાખ ખર્ચ કરવા છતાં કામ નહીં મળતા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી ચાર શખસ સામે આપઘાત કરવા મજબૂર કર્યાનો
ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, આનંદનગર
વિસ્તારના ડબલ થાંભલા પાસેના મફતનગરમાં રહેતા પ્રવીણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ દેવજીભાઈ સાગઠિયા
નામના કોન્ટ્રાક્ટરે તેના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતા પોલીસ
કાફલો દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી
તપાસમાં મૃતક પ્રવીણભાઈ સાગઠિયાએ બાંધકામ માટે નાણાની જરૂરિયાત ઉભી થતા રાજુ ટીડા સોલંકી
અને મેહુલ ભરત મકવાણા સાથે મોટી રકમની લોન કરી આપવા માટે સમજૂતી કરી હતી અને તે માટે
પ્રવીણભાઈએ રૂ.40 લાખની રકમ બન્ને શખસને આપી હતી. બાદમાં બન્ને શખસે લોન મંજૂર નહીં
કરાવી આપતા અને રૂ.40 લાખની રકમ પણ પરત નહીં કરતા આ રકમ ચૂકવવા માટેથી પ્રવીણભાઈએ સુભાષનગરમાં
રહેતા ગૌતમ મેર પાસેથી રૂ.4 લાખ ર0 ટકા વ્યાજે અને બોરડી ગેટ પાસે ગેરેજ ધરાવતા દીપક
પાસેથી રૂ.પ લાખની રકમ ર0 ટકા વ્યાજે લીધી હતી અને બન્ને વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી
કરવામાં આવતા પ્રવીણભાઈ ચારેય શખસથી કંટાળી ગયા હતા અને આ પગલું ભરી લીધું હતું.
આ અંગે પોલીસે મૃતક પ્રવીણ સાગઠિયાની
પત્ની હંસાબેનની ફરિયાદ પરથી રાજુ ટીડા સોલંકી, મેહુલ ભરત મકવાણા, ગૌતમ મેર અને ગેરેજ
સચાલક દીપક વિરુદ્ધ આપઘાત કરવા મજૂબર કર્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.