લખતર/સુરેન્દ્રનગર, તા.ર : લખતર
હાઇ વે પર ગેસ્ટ હાઉસ ધરાવતા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પર ફાયરિંગ કરી
હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં પોલીસે એક શખસની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી અન્ય બે સાગરીતની
શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, લખતર
તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને હાઇ વે પર સાંઈ ગેસ્ટ હાઉસ ધરાવતા ભરતસિંહ
પરમાર ગેસ્ટ હાઉસ ખાતે હતા ત્યારે દેવળિયા ગામનો અજયસિંહ રાણા અને તેનો સાગરીત ધસી
આવ્યા હતા અને ઝઘડો કરી ભરતસિંહ પરમાર ઉપર પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા હાથમાં
ઈજા પહોંચાડી બન્ને શખસ ફરાર થઈ ગયા હતા અને ઘવાયેલા ભરતસિંહ પરમારને હોસ્પિટલમાં ખસેડાયા
હતા.
આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ
કાફલો દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં લખતર હાઇ વે રોડનું કામ ચાલુ હોય અને તેને
ડાયર્વઝન આપવામાં આવેલ નહોય આ અંગે ભરતસિંહ દ્વારા કોન્ટ્રાક્ટરની દેખરેખ રાખનારે ડાયવર્ઝન
ન હોવાથી ટ્રાફિકની સમસ્યા રહેતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટર રાખનાર
દેવળિયા ગામના ધમેન્દ્રસિંહ રાણાને આ અંગેની જાણ થતાં ભરતસિંહને ત્રણેક દિવસ પહેલાં
ફોન કરી ઝઘડો કર્યે હતો અને તા.30/11ની રાત્ર ભરતસિંહ ગેસ્ટ હાઉસે હતા ત્યારે ધર્મેન્દ્રસિંહ
રાણાનો ભાઈ અજયસિંહ અને સાગરીત હથિયાર સાથે ધસી ગયા હતા અને ફાયરિંગ કર્યું હતું. પોલીસે
ભરતસિંહ પરમારની ફરિયાદ પરથી ધમેન્દ્રસિંહ રાણા તેના ભાઈ અજયસિંહ અને અજાણ્યા શખસ સામે
હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન પોલીસે ધમેન્દ્રસિંહ
રાણાને ઝડપી લઈ બે દિવસના રિમાન્ડ પર મેળવી તેના ભાઈ અજયસિંહ અને સાગરીતને ઝડપી લેવા
દોડધામ શરૂ કરી હતી.