ભાવનગર,
તા.31 : ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ જાહેરમાં મારામારી
અને લુખ્ખાં તત્ત્વોના આતંકની ઘટનાઓ રોજિંદી બની છે. આવી જ એક વધુ ઘટનામાં ગત રાત્રીના
ડોન ચોક નજીક કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત થયા બાદ સ્કૂટર સવાર બે શખસે કારચાલકને
મારમારી સ્કૂટરમાં લઈ જઈ બજરંગદાસ બાપા હોસ્પિટલ પાસે છોડી દઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ
અંગે ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ
અંગે પ્રાપ્ત વિગત અનુસર ભાવનગરના આંબાવાડી, સેનેટોરિયમ રોડ પર રહેતા અને મહાવીર મંડપ
સર્વિસ ચલાવતા પીયૂષભાઈ ઈશ્વરભાઈ લશ્કરી (ઉં.વ.48) ગઈકાલે રાત્રિના તેમની કાર નં.જી.જે.04.
સી.જી.0603 લઈને ઉત્તર કૃષ્ણનગર દેરાસર પાસે કામ માટે ગયા હતા અને ત્યાંથી ઘરે પરત
ફરતા હતા ત્યારે ડોન ચોક નજીક વીરભદ્ર અખાડા તરફ જતા હતા તે દરમિયાન મહિલા કોલેજ સર્કલ
તરફથી આવી રહેલા સ્કૂટરના ચાલકે પોતાનું સ્કૂટર કાર સાથે અથડાવતા સ્કૂટર સવાર બે શખસ
નીચે પડી ગયા હતા. અકસ્માત બાદ પીયૂષભાઈ લશ્કરીએ કારમાંથી ઉતરી સ્કૂટર ચાલકને ઉભો કરવાનો
પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન બન્ને શખસ પીયૂષભાઈને માર મારવા લાગ્યા હતા અને એક શખસે
કમર પટ્ટો કાઢીને પટ્ટા વડે માર મારતા પીયૂષભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી. દરમિયાન
લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. ટોળાં પૈકીના એક વ્યક્તિએ છોડાવાનો પ્રયાસ કરતા
તેમની સાથે પણ આ શખસોએ મારામારી કરી હતી. પીયૂષભાઈને માર માર્યો બાદ આ બન્ને ઈસમો તેમને
એક્ટિવા પર બેસાડીને લઈ ગયા હતા અને પાનવાડી ચોક પાસે આવેલ બજરંગદાસ બાપા હોસ્પિટલ
પાસે ઉતારી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.
મારામારીની
આ ઘટના અંગે પીયૂષભાઈએ સ્કૂટર નં.જી.જે.04-ડી.એમ.6પપ6ના ચાલક અને તેની સાથેના શખસ વિરુદ્ધ
ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.