• બુધવાર, 21 મે, 2025

દરેડમાં PGVCL સાથે છેતરાપિંડી કરનાર 6 ઝડપાયા : 54 લાખની માલમતા કબજે

જામનગર, તા.24: જામનગર પીજીવીસીએલ દ્વારા સમગ્ર જિલ્લામાંથી જુના ઇલેક્ટ્રીક વાયર-કંડકટર સહિતનો ભંગાર એકત્ર કરીને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોર વિભાગમાં રાખવામાં આવ્યો હતો, અને તેની ઓનલાઈન મારફતે હરાજી કરી લેવાઈ હતી. અને કુલ 82 ટન માલની હરાજી થઈ હતી. જેમાં સુરતની નિસર્ગ નામની પેઢીને કોન્ટ્રેક્ટ મળ્યો હતો, અને તે પેઢીએ ત્રણ કરોડ રૂપિયા વિજતંત્રમાં જમા કરાવી દેવાયા બાદ તેઓને જામનગર માંથી ભંગારનો માલ સામાન ઉપાડવા માટેની એન.ઓ.સી. મળી ગઈ હતી. તેઓએ મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ તેમજ મેલડી એન્ટરપ્રાઇઝ નામની બે પેઢીને કોન્ટ્રાકટ આપ્યો હતો, અને તે બંને પેઢી દ્વારા અલગ અલગ પાંચ જેટલા ટ્રકમાં આશરે 60 ટન જેટલો માલ ઉપાડી લેવામાં આવ્યો હતો. જેમાં આશરે 21 ટન જેટલું વજન ઓછું દર્શાવાયું હોવાનું વિજ અધિકારીઓની ઝીણવટ ભરી તપાસ અને સતર્કતાના કારણે ધ્યાનમાં આવ્યું હતું. જેથી વિજતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ત્યાં પી.આઈ વિરેન રાઠોડ અને તેઓની ટીમને સમગ્ર હકીકત જણાવી હતી જ્યારે વે બ્રિજનું ઢાંકણ ખોલીને અંદર અગાઉથી માણસ સંતાઈ જતો હોઈ, તે પ્રકારનો વિડીયો બનાવી લીધો હતો, અને પુરાવા સ્વરૂપે પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.

જેના આધારે પી.આઇ વીરેન રાઠોડ અને તેઓની ટીમ દ્વારા પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ વિજતંત્રના એરિયામાંથી મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી તેમજ મેલડી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ડ્રાઇવર સહિતના કર્મચારીઓ દ્વારા પીજીવીસીએલને 41,68,315 નું નુકસાન પહોંચાડવાનો કારસો રચાયો હોવાનું ધ્યાનમાં આવતાં તે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

જે ફરિયાદના અંતે પોલીસે તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો હતો, અને ત્યાંથી મોરબીની ગેંગના છ સભ્યો (1) આકાશ ઘોઘાભાઇ ગગજીભાઇ કુંઢીયા (ઉ.વ.21) (2) વિકાસ ઉર્ફે ગુલ્લુ  કિશોરભાઇ વેરશીભાઇ પનસારા (ઉ.વ.27) (3) અજય કુવરજીભાઇ ભલુભાઇ વીકાણી (ઉ.વ.24) (4) અર્જુન રાજુભાઇ હેમુભાઇ ભોજવીયા (ઉ.વ.28) (5) નિતેશ ઉર્ફે હિતેશ લાભુભાઇ રાયમલભાઈ કુંઢીયા (ઉ.વ.33) (6) રોહીત ઉર્ફે રાહ્નલ સ/ઓ કુવરજીભાઇ ભલુભાઈ વીકાણી (ઉ.વ.22) ની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ સહિત 54 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે અને તમામની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક