• મંગળવાર, 15 જુલાઈ, 2025

બોટાદમાં બંધ મકાનના તાળા તોડી રૂ. 9.82 લાખની ચોરી

દંપતી મોરબી પુત્રના ઘરે ગયા ને તસ્કરો ડીજીટલ તિજોરી ઉઠાવી ગયા

બોટાદ, તા.13:બોટાદમાં પાળિયાદ રોડ ઉપર આવેલા પટેલ પાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તાળા તોડી તિજોરી સહિત તિજોરીમાં રહેલી રોકડ રકમ તેમજ સોનાનાં ઘરેણા મળી કુલ રૂ. 9.82 લાખની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તસ્કરોની ભાળ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ બોટાદમાં પાળિયાદ રોડ પર આવેલી પટેલ પાર્ક સોસાયટીમાં રહેતા અવસરભાઈ ભીખાભાઈ ધોળું (ઉં.વ.58)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ તેમની પત્ની સાથે ગત તા.30-6ના રોજ મકાનને તાળુ મારી મોરબી રહેતા પુત્રના ઘરે ગયા હતા. જ્યા બંને થોડા દિવસ રોકાયા બાદ તા.12ના પરત ઘરે આવીને જોતા બહારના દરવાજે તાળું મારેલ હતું તે ખોલી અંદર પ્રવેશ કરતા દરવાજો હેન્ડલ લોક તૂટેલો હતો. જ્યારે ઘરની અંદર પ્રવેશ કરી તપાસ કરતા માલ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. કબાટની અંદર મધ્યના ભાગે ગોદરેજ કંપનીની ડિજિટલ તિજોરી પણ જોવામાં આવી નહીં. તસ્કરો તિજોરી ઉઠાવી ગયા હતા. જે તિજોરીમાં સોના-ચાદીના રૂ. 7.37 લાખના દાગીના અને રૂ. 2.46 લાખની રોકડ મળી કુલ રૂ. 9.82 લાખની ચોરી કરી ગયા હતા. ચોરીની ઘટનાને પગલે બોટાદ એસપી ડીવાયએસપી તેમજ ડોગ સ્કોવોડ પણ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક