• મંગળવાર, 15 જુલાઈ, 2025

નાંદરખા ગામે વાહન સાઈડમાં લેવા મુદ્દે ટોળાનો હુમલો : કાર ઉપર પથ્થરમારો

મામા-ભાણેજ સહિત ત્રણને ઈજા : 18 સામે ફરિયાદ

જૂનાગઢ, તા.14: માણાવદર તાલુકાના નાંદરખા ગામે વાહન સાઈડમાં લેવા મુદ્દે ટોળાએ હથિયારો વડે હુમલો કરી મામા-ભાણેજ સહિત ત્રણને ઈજા પહોંચાડતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે 18 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત પ્રમાણે માણાવદરના ગંજીવાડામાં રહેતા અને જૂનાગઢ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં નોકરી કરતા મીત પંકજભાઈ ભુત ઉ.રર ગઈકાલે રવિવારની રજા હોવાથી દાદીને કતકપરા દવાખાને લઈ જવા મામા જયેશભાઈની કાર લઈ કતકપરા જતો હતો ત્યારે સીમના સાંકડા માર્ગમાં સામેથી છકડો રીક્ષા આવતી હોય જેથી પોતાની કાર સાઈડમાં દબાવી હતી.

દરમ્યાન રીક્ષાચાલક અબુ સેતા ગાળો ભાંડી કુહાડી સાથે નીચે ઉતર્યો હતો પણ ઝઘડો કરવો ન હોય તેથી ત્યાંથી નીકળી કતકપરા પહોંચી ત્યાંથી પરત મામા જયેશભાઈ, માસીયાઈભાઈ પાર્થને લઈ મીતડી જવા નીકળ્યો હતો. સાંજે નાંદરખા ગામે પહોંચતા પાદરમાં રીક્ષા ચાલક અબુ સહિતનું ટોળુ હથિયારો સાથે ઉભુ હતું. અચાનક ટોળાએ કાર ઉપર પથ્થરમારો કરતા કાર ઉભી રાખી નીચે ઉતરતા જ અબુ સેતા સહિતના તુટી પડયા હતા અને ત્રણેયને ઈજા પહોંચી હતી. ત્યાં ગામ લોકો એકત્ર થઈ જતા હુમલાખોરો નાસી ગયા હતા. ઘવાયેલા મામા-ભાણેજ સહિત ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા. મીતની હાલત ગંભીર જણાતા જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગે માણાવદર પોલીસે મીતની ફરિયાદ આધારે અબુ સેતા, કારો ડેરીવાળો, નાજીમ કારા, યુસુફ ગુલા સેતા, અમીન ઉર્ફે કાદુ, હનીફ નુકા, જાવીદ બોદુ, સાહીલ સેતા, યુનુસ, અફઝલ મુસા સેતા સહિત 18 શખસોના ટોળા સામે ગુનો નેંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક