• મંગળવાર, 25 જૂન, 2024

ધ્રાંગડાના પાટીયે ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવકનું મૃત્યુ ધ્રોલ નજીક એસ.ટી. બસની ઠોકરે યુવાનનું મૃત્યુ

જામનગર, તા.24: જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીકના ધ્રાંગડાના પાટીયા પાસે રણજીતપર ગામના કેશુભાઈ પુરુષોત્તમભાઈ પરમાર નામના યુવાન બાઇક નં.જીજે 10 એ 4342 લઈને જતા હતા ત્યારે જીજે 10 ટીએકસ 7789 નંબરનો એક ટ્રક રોડ વચ્ચે ઉભો રહી જતા કેશુભાઈની બાઇક ટ્રકના ઠાઠામાં ઘૂસી ગઈ હતી. તેમને કપાળમાં તથા પગમાં ગંભીર ઈજા થવાથી 108 મારફતે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે.

બીજો બનાવ ધ્રોલથી રાજકોટ વચ્ચેના હાઇ વે પર આહીર કન્યાલય છાત્રાલય પાસે રાત્રીના 35 વર્ષનો એક અજાણ્યો યુવાન રોડની સાઇડમાં ચાલ્યો જતો હતો ત્યારે રાજકોટ તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલી જીજે 18 ઝેડ 8794 નંબરની એસ.ટી.બસના ચાલક ધ્રોલના વિજય ભીખુભાઈ ભરાડે યુવાનને અડફેટે લીધા હતા. ગંભીર ઈજા પામેલા આ અજાણ્યા યુવકને સારવાર માટે ધ્રોલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ધ્રોલ પોલીસે એસ.ટી. બસના ચાલક વિજય ભરાડ સામે ગુનો નોંધ્યો છે.

જામનગરમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાધો,

બેશુદ્ધ હાલતમાં મળેલા યુવાનનું મૃત્યુ

જામનગર : જામનગરના નવાગામ ઘેડમાં રહેતા શાન્તાબેન મગનભાઈ સદાદિયા નામના 72 વર્ષની વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે મૃતકના પુત્ર રમેશભાઈએ જાણ કરતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે જ્યારે જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ઝુલેલાલ મંદિર નજીક ફૂટપાથ પરથી ડાયાભાઈ લક્ષ્મણભાઈ ડાઠીયા નામના 45 વર્ષના યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. આ યુવાનને તાત્કાલીક 108માં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ધ્રોલના યુવાનને 30 ટકા વ્યાજ ચૂકવ્યા બાદ પણ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી

જામનગર :  જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા યુસુફભાઈ સતારભાઈ આકબાણીના પુત્ર શાહનવાઝે રૂ.4 લાખ ધ્રોલમાં રહેતા તૌસિફ જુસબ દરજાદા તથા ફૈઝાનઈદ્રીશ પાસેથી 30 ટકા વ્યાજે લીધા હતા. તેના વ્યાજ પેટે રૂ.7 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ રકમ કઢાવવાના ઈરાદાથી છાશવારે ધમકાવતો હતો. તે દરમિયાન 20 દિવસ પહેલા શાહનવાઝનું એક્ટિવા સ્કૂટર આ શખસો ઝૂટવી લઈ વ્યાજ ન મળે તો તેને વેંચી નાખવાની ધમકી આપી હતી. વધુ રકમ કઢાવવાના ઈરાદે શાહનવાઝના પિતા યુસુફભાઈને ગાળો ભાંડી અમારી રકમ નહીં મળે તો તારા દીકરાના ટાંટીયા ભાંગી નાખીશું અને તમારી રિક્ષા પણ લઈ લેશું તેવી ધમકી આપતા યુસુફભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બન્ને વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક