ખેડૂત પરિવાર વાડીએ ગયો ને તસ્કરો હાથફેરો કરી ગયા
જસદણ,
તા.30: વિંછીયાના આંકડિયા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા હતાં. ખેડૂત પરિવારના બંધ
મકાનના તાળા તોડી તસ્કરો રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂ.8.08 લાખની મતા ઉઠાવી
જતાં વિંછીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ
અંગે વિંછીયાના આંકડિયા ગામે રહેતા 33 વર્ષીય ખેડૂત રસીકભાઇ ગુણાભાઇ કુકડીયાએ નોંધાવેલી
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ચાર ભાઇઓ સંયુકત કુટુંબમાં રહે છે. ખેડૂતને સંતાનમાં
બે દીકરા છે. ગઇ કાલે સવારના આઠ વાગ્યે ગામમાં રહેતા અશોકભાઇ બારૈયાની ભાગીયે રાખેલી
વાડીએ તેઓ અને તેમની પત્ની કાજલબેન બંને ગયા હતા. બપોરના બાર વાગ્યા મોટાભાઇ સંજયભાઇનો
ફોન આવ્યો કે, આપણા મકાનમાં ચોરી થઇ છે.
જેથી
ખેડૂત અને તેના પત્ની બન્ને ઘરે પહોંચી જોતા બધા દરવાજા ખુલ્લા હતા. બાદ ભાઇ સંજયે
કહ્યું કે, ઘરેથી સાડા દસ વાગ્યે હું તથા મારી પત્ની ભડલી ગામે કામ સબબ ગયેલ હતા. બાદ
બપોરે બાર વાગ્યે પરત આવતા ઘરના ડેલાએ તાળુ માર્યુ હતું. મે તાળુ ખોલતા ડેલો અંદરથી
બંધ હતો. જેથી વંડી ટપી અંદર જઇ જોતા ઘરના દરવાજાઓના તાળા તુટેલી હાલતમાં જોવા મળ્યા
હતા.
ફરિયાદીએ
વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં જતા સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો અને કબાટની અંદર
તેજુરીમાં રાખેલો સોનાનો હાર રૂ.1.50 લાખ, ઓમના બે સોનાના પાંદડા, ચાંદીની બે પહોંચી,
એક જોડી છડા, નાના છોકરાના કડલી નંગ-2, તુલસી કયારો મળી કુલ રૂ.1.87 લાખની મતાની ચોરી
થઇ હતી. બાદ તેમના ભાઇ સંજયભાઇના મકાનનો દરવાજોનો નકુચો કાપેલો મળી આવતા તેના રૂમના કબાટ માંથી પણ તસ્કરો કબાટમાંથી સોના-ચાંદીના દાગીના
મતાની ચોરી થઇ હતી. બાદ સૌથી મોટા ભાઇ જયેશભાઇના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા 3500 મળી કુલ રૂ.2.72 લાખની ચોરી થઇ
હતી. ખેડૂત પરિવારના ત્રણેય ભાઇઓના મકાનમાંથી તસ્કરો કુલ રૂ.8,08,500ની માલબતા ચોરી
કરી જતા વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બનાવ અનુસંધાને વિંછીયા પોલીસની
સાથોસાથ રૂરલ એલસીબી ટીમે તપાસ હાથ ધરી છે.