• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

જામનગર: કોર્પોરેટર પર જીવલેણ હુમલામાં 6 વ્યક્તિ સામે ગુનો દાખલ

રાજકીય અદાવતમાં હુમલો કરાયો

જામનગર તા. 30: જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી  હતી. આ મામલે રાજકીય અદાવતમાં અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા સોપારી આપી હુમલો કરાવવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

અસલમ ખીલજી ડિસેમ્બરે સાંજે મહાનગરપાલિકાની કચેરીએથી પોતાનું કામ પતાવી બાઈક પર પરત ફરી રહ્યા હતા. દરમિયાન ભીડભંજન રોડ પર એક કારમાં આવેલા પાંચ શખસએ અસલમ ખીલજી પર  તલવાર, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.  જેમાં અસલમ ખીલજીને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અસલમ ખીલજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ તે સારવાર હેઠળ છે.

આ મામલે અસલમ ખીલજીના ભત્રીજા શાહનવાજ ખીલજીએ સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ હુમલા પાછળ વોર્ડ નંબર 12ના જ અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફીનો હાથ છે. બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી રાજકીય રાગ-દ્વેષ અને પાવર ગેમ ચાલતી હતી, જેનો ખાર રાખીને અલ્તાફ ખફીએ પોતાના માણસો મોકલી અસલમની હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે આ મામલે  અલ્તાફ ખફી સહિત જુનેદ, રજાક ચૌહાણ, ઇસ્તીયાક, સલીમ ખીલજી, હબીબ ખફી અને સમીર સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક