• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

એક ઈન્સ્ટા પોસ્ટ 9 અબજ ડોલરમાં પડી ! રશિયાનાં કારોબારીને યુક્રેન યુદ્ધનો વિરોધ મોંઘો પડયો

સોશિયલ મીડિયા પર લોકો અવારનવાર પોસ્ટ કરતાં હોય છે. ક્યારેક કોઈની નિંદા થાય છે તો ક્યારેક કોઈની પ્રશંસા. પરંતુ જો એક પોસ્ટથી તમને અબજો ડોલરનું નુકસાન થાય તો ? આવું જ રશિયાનાં પૂર્વ અબજોપતિ ઓલેગ ટિંકોવ સાથે થયું ! તેમનો દાવો છે કે, યુક્રેન યુદ્ધની નિંદા કરતી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટનાં કારણે તેમની લગભગ આખી સંપત્તિ સફાચટ થઈ ગઈ હતી. તેમના અનુસાર, આ પોસ્ટનાં કારણે તેમને લગભગ 9 અબજ ડોલરનું નુકસાન થયુ હતું. આટલું જ નહી પણ તેમણે ટિંકોવ બેંકમાં પોતાનો હિસ્સો મુળ કિંમતના એક નાનકડા અંશ જેટલી કિંમતે વેચવાની ફરજ પડી હતી. ટિંકોવે એમ પણ કહ્યું હતું કે, 90 ટકા જેટલા રશિયનો યુદ્ધની વિરૂદ્ધ છે અને સમર્થન આપનાર 10 ટકાને લોકોને તેણે મૂર્ખ ગણાવ્યા હતા. આ સમય દરમિયાન ટિંકોવે એપ્રિલ ર0રરમાં સાર્વજનિક રૂપથી યુદ્ધની ટીકા કરી હતી. તેને ગાંડપણ ગણાવ્યું હતું અને રશિયન સેનાને ભ્રષ્ટ કહી તેની આલોચના કરી હતી.

પોતાની સંપત્તિનાં નુકશાન વિશેની વાત કરતાં ટિંકોવે જણાવ્યું હતું કે, પોસ્ટનાં બીજ જ દિવસે બેંક અધિકારીઓને કેમલિન સાથે જોડાયેલા અધિકારીઓનો ફોન આવ્યો હતો. તેમના પર પોતાની હિસ્સેદારી વેચવાનું દબાણ કરવામાં આવ્યું તેમજ અધિકારીઓએ મૂળ કંપની ટીસીએસ ગ્રુપમાં તેમનાં લગભગ 35 ટકાની ભાગીદારીની જે કિંમત નક્કી થાય તે સ્વીકારવા માટેનું દબાણ કર્યુ હતું.

એક અઠવાડિયાની અંદર ધાતુ ઉદ્યોગપતિ વ્લાદિમીર પોટાનિન સાથે જોડાયેલી એક કંપનીએ તેમની ભાગીદારી ખરીદી લીધી. ટિંકોવના મતે, આ સોદો તેમની હિસ્સેદારીનાં હકીકતનાં બજાર, મૂલ્યના માત્ર 3 ટકા જેટલી કિંમતનો જ હતો, જેથી તેમની દાયકાની મહેનતથી કમાયેલી 9 અબર ડોલરની સંપતિનું નુકશાન થયુ હતું. ટિંકોવે જણાવ્યું કે, આ સોદા બાદ તેમણે રશિયા છોડી દીધું હતું અને પછી પોતાની રશિયાની નાગરિકતા પણ છોડી દીધી હતી. તેમનાં દાવા પ્રમાણે દબાણ માત્ર સોદા સુધી સીમિત ન હતું.

--------

ઇ-પેપરના નવા શુલ્ક