• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

79,000 કરોડના લશ્કરી પ્રોજેક્ટ્સને મંજૂરી

ભારતીય સેના આધુનિક શત્ર-સરંજામ, ડ્રોનથી સજ્જ થશે

નવી દિલ્હી, તા.30 : ભવિષ્યના પડકારોનો સામનો કરવા ભારતીય સશસ્ત્ર દળોની લડાઇ ક્ષમતાને મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસી) એ સોમવારે આશરે રૂ.79,000 કરોડના લશ્કરી આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને જરૂરિયાતની મંજૂરી (એઓએન) આપી હતી.

બેઠકમાં લોઇટર મ્યુનિશન સિસ્ટમ (કેમિકેઝ ડ્રોન), લો લેવલ લાઇટવેઇટ રડાર, પિનાકા મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (એમએલઆરએસ) માટે લાંબા અંતરના માર્ગદર્શિત રોકેટ દારૂગોળો અને સેના માટે ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ (આઇડીડી એન્ડ આઇએસ) માર્ક-2ની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી.

ડીએસી તરફથી સૌથી મોટી મંજૂરી આશરે રૂ.30,000 કરોડના પ્રોજેક્ટ માટે હતી જે વાયુસેના અને નૌકાદળ માટે મોટી સંખ્યામાં બરાક-8 મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો ખરીદશે. ઇઝરાયલના સહયોગથી વિકસાવવામાં આવેલી આ સિસ્ટમની ઇન્ટરસેપ્શન રેન્જ 70 કિલોમીટરથી વધુ છે. નૌકાદળ માટે ત્રણ વર્ષના લીઝ પર બે વધારાના એમક્યૂ-9બી પ્રિડેટર હાઇ-એલ્ટિટ્યુડ લોંગ-એન્ડ્યુરન્સ ડ્રોન ખરીદવાને પણ મંજૂરી આપી હતી જેની કિંમત આશરે રૂ.1600 કરોડ છે.

ઉપરાંત ભારતીય વાયુસેના માટે 6 મિડ-એર રિફ્યુઆલિંગ એરક્રાફ્ટ ખરીદવાના લાંબા સમયથી પડતર પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. અંદાજે રૂ.9000 કરોડના પ્રોજેક્ટ હેઠળ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ 6 સેકન્ડ-હેન્ડ બોઇંગ 767 એરક્રાફ્ટને ટેન્કરમાં રૂપાંતરિત કરશે જે ફાઇટર એરક્રાફ્ટની ઓપરેશનલ રેન્જમાં નોંધપાત્ર વધારો કરશે.

-------

ઇ-પેપરના નવા શુલ્ક