• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

સોઢાણા નજીક મહિલાની હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી’તી, બેની ધરપકડ

ત્રણ મહિના પહેલાનો બનાવ : મહિલાએ રૂા.45 હજારની માગણી કરતા બન્ને શખસોએ ગળાટૂંપો દઈ હત્યા કરી હતી

પોરબંદર, તા.30: પોરબંદર નજીકના બરડા પંથકની વર્તુ નદીના કાંઠેથી ત્રણેક મહિના પહેલા અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો જેની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે અને સોઢાણા ગામે વાડી વિસ્તારમાં મોરાણા તરફ જતા રસ્તે બે ઇસમો એ તે મહિલાને શરીર સંબંધ બાંધવા માટે બોલાવી હતી અને શરીર સંબંધ બાંધ્યા  બાદ એ મહિલાએ 45000 રૂપિયાની  માગણી કરતા આ ઈસમો પૈસા આપવા માંગતા નહીં હોવાથી દોરડા વડે ગળાફાંસો આપીને તે મહિલાને મોતને ઘાટ ઉતારી વર્તુ નદીમાં તેની લાશને ફેંકી દેતા પોલીસે ગુનાનો ભેદ  ઉકેલીને કાર્યવાહી કરી છે.

સપ્ટેમ્બર મહિનાના અંતે 25મી તારીખે  પોરબંદર નજીક ફટાણા ગામની સીમમાં વર્તુ નદીના વહેણ રામાજી ભીમાજીની વાડી પાસેથી અંદાજિત 35 થી 45 વર્ષની અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જેમાં કાનની બુટ્ટી નંગ 2 બુટ્ટી પર પહેરવાના બાજરી દાણા નંગ ત્રણ, વાળી દાણો નાકનો નંગ એક, આંગળીની વીંટી નંગ એક તથા પગની પાયલ નંગ બે તેમના મૃત શરીર ઉપરથી મળી આવ્યા હતા. પોલીસે આ મહિલાની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જામખંભાળિયાની લિટલ સ્ટાર સ્કૂલ પાસે બંગલવાડીમાં રહેતી 40 વર્ષની મમતા મૃત્યુંજય પ્રધાન યાદવ નામની મહિલા ગુમ થઈ હતી. આથી પોલીસે મહિલાના પરિવારજનોનો સંપર્ક સાધીને મૃતદેહની ઓળખ થઈ જતા તેના મૃત્યુના કારણ તપાસ હાથ ધરી હતી. જેમાં એ મહિલાને ગળાફાંસો દઈને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. માટે પોલીસે આ બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કરીને વિગતો મેળવતા એવું જાણવા મળ્યું હતું કે પોરબંદરના સોઢાણા ગામે વર્તુ નદીના કાંઠે મોરાણા ગામ તરફ જતા રસ્તે વાડી ધરાવતા રામદે કાના ઉર્ફે સૂકા અમર (ઉંમર:21 વર્ષ) અને મજીવાણા નજીક કુંજવેલની બાજુમાં વાડી વિસ્તારમાં રહેતા મૂળ લાલપુરના ડેરાસિકારી ગામના જેઠા ઉર્ફે કારીયો સામત ઓડેદરા (ઉંમર વર્ષ:28) આ બે ઈસમોએ એ તારીખ 21.9ના મહિલા મમતા યાદવને શરીર સંબંધ બાંધવા માટે આરોપી રામદે કાના અમરની વાડીએ બોલાવી હતી અને શરીર સંબંધ બાંધી લીધા બાદ જતી વખતે એ મહિલાએ રામદે પાસે 45 હજાર રૂપિયાની માગણી કરી હતી. આથી રામદેવ તેને રૂપિયા આપવા માંગતો ન હોવાથી મહિલાએ બન્ને વિરૂદ્ધ બળાત્મકારની ફરિયાદ કરવાની ધમકી આપતા બન્નેએ ઉશ્કેરાઈ જઈ દોરડા વડે મહિલાને ગળાફાંસો આપી હત્યા કરી હતી. બાદ લાશ નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક