વડોદરા, તા.17 : સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા બે દિવસથી આવારા તત્ત્વો દ્વારા ઇમેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત્ છે. રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ગજબની પેટર્ન જોવા મળી રહી છે. પહેલાં સ્કૂલોને મેઇલ કરવામાં આવે છે અને પછી કોર્ટને ઉડાવી દેવાના મેઇલ મળી રહ્યા છે. આજે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને વલસાડની કોર્ટને ધમકી ભર્યા મેઇલ મળ્યા છે. આજે મંગળવારે સવારે વડોદરાની દિવાળીપુરા સ્થિત જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેઇલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
વડોદરા
ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સમાચાર મળતા જ
પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS)
અને ડોગ સ્ક્વોડ સાથે દિવાળીપુરા કોર્ટ ખાતે પહોંચી ગયા હતા. પોલીસ પહોંચે તે પહેલા
સાવચેતીના ભાગરૂપે કોર્ટના મેન એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોની અવરજવર
પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચાકિંગ
હાથ ધરવામાં આવ્યું છે. કોર્ટમાંથી વકીલોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
કોર્ટ સંકુલ બહાર વકીલોના ટોળેટોળા જામ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ
પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અકોટા
પોલીસ સ્ટેશનના પી.આઇ.એ જણાવ્યું હતું કે, ‘અમને ઇમેઇલ દ્વારા ધમકી મળી હોવાની માહિતી
મળતાં જ અમે સ્થળ પર પહોંચ્યા છીએ અને સુરક્ષાનાં તમામ માપદંડો સાથે તપાસ કરી રહ્યા
છીએ.’
પ્રાથમિક
દૃષ્ટિએ આ કોઈની મજાક અથવા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનું જણાય છે પરંતુ પોલીસ
કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. હાલમાં કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેક ખૂણે તપાસ કરવામાં આવી રહી છે. વારંવાર મળતી આ ધમકીઓને
કારણે શહેરીજનોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદની
જૂની હાઈકોર્ટ, ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાનો ઈ-મેઇલ મળતા ખળભળાટ
અમદાવાદ,
તા.17: અમદાવાદમાં શાળાઓ બાદ હવે વિવિધ કોર્ટને ટારગેટ બનાવીને બોમ્બથી ઉડાડવાની ધમકીનો
ઈ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની ગ્રામ્ય કોર્ટ, જૂની હાઈકોર્ટ, ગાંધીનગર
કોર્ટ ઉપરાંત મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને મંગળવારે બોમ્બથી ઉડાવી દેવાની
ઈમેઇલ મારફતે ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદની
કેટલીક શૈક્ષણીક સંસ્થાઓને સોમવારે બોમ્બથી ઉડાડવાની ધમકી મળ્યાના બીજા જ દિવસે અમદાવાદ
શહેરની બે કોર્ટ, ગાંધીનગર અને મહેસાણા કોર્ટને પણ બોમ્બથી ઉડાડવાનો નનામો ઈ-મેઇલ મળ્યો
હતો. જેને પગલે પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક
થઈ ગઈ હતી. સવારમાં જ કોર્ટોમાં કામકાજ ધમધમી રહ્યું હતું તે સમયે જ આવી ધમકી મળતા
અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસે તાત્કાલિક અસરથી કોર્ટ પરિસરને ખાલી
કરાવી દીધું હતું અને વકીલો તેમજ અસીલોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની
ગંભીરતાને જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી, જેમણે
કોર્ટના ખૂણેખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.