(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.1 : અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ સાથે ‘ઇમોશનલ બ્લેકમેઇલ’
કરી લાખોની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગ ટોળકીએ રડતા-રડતા ફોન કરી
વૃદ્ધની દયા જીતી લીધી અને કૂલ 5,55,976 રૂપિયા પડાવી લીધા છે.
પ્રાપ્ત
માહિતી અનુસાર જૂના વાડજમાં રહેતા લાલજીભાઈ જાદવને ગત 10મી ફેબ્રુઆરીએ ’મોહન’ નામના
શખ્સે રડતા અવાજે કહ્યું કે, ’મારાથી ભૂલથી ક્લોઝ પેમેન્ટની રકમ તમારા ખાતામાં જમા
થઈ ગઈ છે. મારા બનેવી આશિષભાઈ તમને ફોન કરશે, પ્લીઝ તેમને પૈસા પાછા આપી દેજો.’
આ રીતે
જાળ બિછાવ્યા બાદ ઠગે લાલજીભાઈને મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ મોકલ્યા, જેમાં 45,000 અને
50,500 રૂપિયા જમા થયા હોવાનું ખોટું લખાણ હતું. આશિષ નામના બીજા ઠગે ફોન કરી ગૂગલ
પે પર પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી હતી. વૃદ્ધે સમજ્યા વગર રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી, જેનાથી
પૈસા તેમના ખાતામાં આવવાને બદલે ઠગના ખાતામાં જવા લાગ્યા હતા. 10મીથી 15મી ફેબ્રુઆરી
દરમિયાન અલગ-અલગ બહાને કુલ 5,55,976 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા.
જ્યારે
લાલજીભાઈને શંકા ગઈ અને તેમણે બેન્ક સ્ટેટમેન્ટ ચેક કર્યું ત્યારે ખાતામાં કોઈ રકમ
જમા થઈ જ નહોતી, ઉલટાનું તેમના ખાતામાંથી સાડા પાંચ લાખથી વધુ રકમ ઉપડી ગઈ હતી. ત્યારબાદ
બંને ઠગના ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યા હતા. અંતે, લાલજીભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવી હતી