• સોમવાર, 09 માર્ચ, 2026

ભાવનગરના રંધોળામાં અંગત અદાવતમાં ખેતમજૂરની માસિયાઈ ભાઈના હાથે હત્યા

પત્નીને કામે લાવ્યા તે પસંદ ન હોવાથી માસિયાઈ ભાઈ સહિત 3 શખસે ગળું દબાવી ઢીમ ઢાળી દીધું

ભાવનગર, તા.8 : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામે ખેતમજૂરની માસિયાઈ ભાઈએ જ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. અંગત અદાવતમાં માસીના દીકરાએ જ બે અજાણ્યા શખસ સાથે મળી પથ્થરમારો અને લાકડી વડે હુમલો કર્યા બાદ યુવાનને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના અને હાલ ભાવનગરનાં રંઘોળા ગામે રહેતા મયાભાઈ પેથાભાઈ કુવાડિયાની વાડીમાં ખેતમજૂરી કરતાં કૈલાશબેન ચીમનભાઈ નાયકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણ મહિના પહેલા તેમના પતિ ચીમનભાઈ વતનમાંથી મજૂરી કામ માટે કેટલાક લોકોને બોલાવ્યા હતા. જેમાં તેમના માસીનો દીકરો દિલીપ લખમણભાઈ નાયક અને તેની પહેલી પત્ની સવિતા પણ આવ્યાં હતાં.

આરોપી દિલીપને પત્ની સવિતા અહીં મજૂરી કામ માટે આવે તે પસંદ નહોતું. જેનાં કારણે તે અવાર-નવાર ચીમનભાઈ સાથે ઝઘડો કરતો હતો અને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. બનાવના દિવસે બપોરે આરોપી દિલીપે વાડીએ આવીને ઝઘડો કરી રાત્રે જોઈ લેવાની ધમકી આપી હતી. બાદમાં મોડી રાત્રે દંપતી વાડીમાં એરંડા ખંખેરી રહ્યા હતા ત્યારે દિલીપ અને બે અજાણ્યા શખસોએ અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો. લાકડીઓ સાથે ધસી આવેલા હુમલાખોરોથી બચવા દંપતી અલગ-અલગ દિશામાં ભાગ્યું હતું.

કૈલાશબેન નજીકની વાડીમાં છુપાઈ ગયાં હતાં જ્યારે આરોપીઓ ચીમનભાઈની પાછળ દોડયા હતા. સવારે ચીમનભાઈ ભૂતીયા ગામની સીમમાં બેભાન હાલતમાં મળી આવતા સારવારમાં ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમનું મોત દોરી વડે ગળું દબાવવાનાં કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે ઉમરાળા પોલીસે મુખ્ય આરોપી દિલીપ લખમણભાઈ નાયક સહિત ત્રણ શખસ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક