પોરબંદર,તા.9: કેશોદમાં ગાયત્રી મંદિર પાછળ રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચિરાગ અશોકભાઈ પરમાર નામના યુવાનને ઓસ્ટ્રેલિયા મોકલવાની લાલચ આપી રૂ.6 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. આ કેસમાં આરોપી જય ધર્મેશ હડીયાએ કુલ 12 લાખના ખર્ચની વાત કરી 6 લાખ રૂપિયા એડવાન્સ પેટે પડાવ્યા હતા. અમદાવાદના સી.જી. રોડ પર આવેલી ‘બાલાજી એન્ટરપ્રાઇઝ’ નામની ઓફિસમાં આ રકમ જમા કરાવ્યા બાદ આરોપીઓએ પોતાની ઓફિસ બંધ કરી દીધી હતી અને મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી નાખ્યા હતા.
છેતરાપિંડીનો
ભોગ બનેલા યુવાને જ્યારે તપાસ કરી ત્યારે મુખ્ય આરોપી જય હડીયાએ બચાવમાં એવું જણાવ્યું
હતું કે તેણે આ રકમ તેના મિત્રો કૃપાલ ધનાભાઈ ભાટુ (રહે. રાણાવાડોત્રા) અને દિવ્યેશ
દુદા બારિયા (રહે. રાણાકંડોરણા)ને આપી હતી અને તેઓ પૈસા લઈને ફરાર થઈ ગયા છે. જોકે,
લાંબો સમય વીતવા છતાં પૈસા પરત ન મળતા ચિરાગ પરમારે,જય હડીયા, કુલદીપ વાળા, કૃપાલ ભાટુ
અને દિવ્યેશ બારિયા વિરુદ્ધ છેતરાપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં
સંડોવાયેલા આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, જે દરમિયાન કુતિયાણા પોલીસને
બાતમી મળી હતી કે આરોપી દિવ્યેશ બારિયા માંડવા ગામના પાટિયા પાસે હાજર છે. પોલીસે ત્વરિત
કાર્યવાહી કરી દિવ્યેશની ધરપકડ કરી છે અને આ રેકેટમાં સામેલ અન્ય ત્રણ શખ્સોને ઝડપી
પાડવા માટે આગળની તપાસ તેજ બનાવી છે.