PIL પ્રક્રિયા જે હેતુથી શરૂ થઈ હતી તે પૂરો થયો હોવાનું અને હવે દુરુપયોગ વધ્યો હોવાનો તર્ક
નવી
દિલ્હી, તા. 9 : કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટ સમક્ષ જનહિતની અરજીઓ (પીઆઇએલ)ના
માળખાની સમીક્ષા કરવા અને તેને પૂરી રીતે સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો હતો. સરકારે તર્ક
આપ્યો હતો કે જે હેતુથી જનહિતની અરજીની શરૂઆત કરવામાં આવી હતી, તે હેતુ ઘણા અંશે પૂરો
થયો છે અને વર્તમાન સમયે પીઆઇએલનો દુરુપયોગ વધારે થઈ રહ્યો છે. આ મહત્ત્વપૂર્ણ દલીલ
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાની નવ જજની સંવિધાન
પીઠ સમક્ષ કરી હતી.
જનહિતની
અરજીની વ્યવસ્થા મુખ્ય રીતે એવા લોકો માટે શરૂ કરવામાં આવી હતી જે સામાજિક અથવા આર્થિક
રીતે કમજોર હતા. તેનું લક્ષ્ય એવું હતું કે જે લોકો ગરીબ, અશિક્ષિત, વિકલાંગ અથવા સામાજિક
બહિષ્કારનાં કારણે પોતે અદાલતનો દરવાજો ખખડાવી શકતા નથી તેઓના અધિકારોની રક્ષા માટે
કોઈ ત્રીજી વ્યક્તિ કે સંસ્થા અદાલતમાં અરજી દાખલ કરી શકે.
સોલિસિટર
જનરલે પોતાના લેખિત અને મૌખિક નિવેદનમાં ઘણા મહત્ત્વના મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું
હતું કે છેલ્લા 5 દશકમાં સ્થિતિ ઘણી બદલી છે. હવે સમય આવી ગયો છે કે પીએઆઇએલની વ્યવસ્થાને
ખતમ કરવામાં આવે. વર્તમાન સમયે ન્યાય પ્રણાલી વધારે સુલભ અને પારદર્શક બની છે. એનએએલએસએ
અને ડીએએલએસએ જેવા સંસ્થાન છે. જે જરૂરિયાતમંદ લોકોને મફત કાનૂની સલાહ અને સહાયતા આપે
છે. ઇ ફાઇલિંગ મારફતે અદાલત સુધી પહોંચવું સરળ બન્યું છે. તેવામાં હવે કોઈ ત્રીજા પક્ષના
પ્રતિનિધિત્વની જરૂરિયાત રહી નથી.