• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

સેન્સ પ્રક્રિયા બાદ હવે ભાજપે  ઉતર અને મધ્ય ગુજરાતની કેટલીક  નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કર્યા

 

 (અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા. 9 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં તમામ પક્ષો પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તબક્કાવાર નગરપાલિકા, મહાનગર પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યું છે. ત્યારે સેન્સ પ્રક્રિયા બાદ હવે ભાજપે  પણ આજે પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી છે.  આખરે લાંબી મથામણ બાદ ઉતર અને મધ્ય ગુજરાતની કેટલીક નગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના 30 નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પર 2 દિવસ પહેલા રાજીનામું આપી આજે સવારે જ ભાજપમાં જોડાનારા આઇપીએસ મનોજકુમાર નિનામાને ટિકિટ ફાળવતા રાજકિય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મોડાસા નગરપાલિકાના 6 વોર્ડના 24 અને

બાયડ નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. મોડાસા તાલુકા પંચાયતના 20, ભીલોડા તાલુકા પંચાયતના 20, બાયડ તાલુકા પંચાયતના 18, માલપુર તાલુકા પંચાયતના 16, મેઘરજ તાલુકા પંચાયતના 22, શામળાજી તાલુકા પંચાયતના 16 અને સાઠંબા તાલુકા પંચાયતના 16 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને ભાજપે કમર કસી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં નવા અને અનુભવી ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યત્વે વાવ-થરાદ જિલ્લા પંચાયત માટે 28 મહત્ત્વના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં આગથળા બેઠક પરથી શોભાબેન વાઘેલા, બરવાળાથી શારદાબેન રાઠોડ અને દિયોદરથી ભવાનજી ચૌહાણ જેવા મજબૂત ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાભર પાલિકાના 6 વોર્ડમાં 24 અને થરાદ નગરપાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તાલુકા પંચાયતોમાં ધરણીધરમા 16, રાહમા 15, સુઈગામમા 15, દિયોદરમા 15, ભાભરમા 18, વાવમા 16, થરાદમા 21 નામ જાહેર કરવાં આવ્યા છે. દાહોદ નગરપાલિકાના 9 વોર્ડ માટે 36 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. જ્યારે દાહોદ જિલ્લા પંચાયતના 48 ઉમેદવારની જાહેરાત કરાઇ છે. તેવી જ રીતે તાલુકા પંચાયતોમાં દેવગઢ બારિયામા 28, ધાનપુરમા 24, ફતેપુરમા 18, ઝાલોદમા 20, લીમખેડામા 24, ગરબાડામા 24, દાહોદમા 38, સંજેલીમા 16, સિગવડમા 18, ગાવિંદગુરુ લીમડીમા 26, સુખરામમા 18 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. 

એવી જ રીતે વડોદરામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદનારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નગર પાલિકામાં ડભોઇના 8 વોર્ડમાં 32, સાવલીના 6 વોર્ડમાં 24, વાઘોડીયાના 6 વોર્ડમાં 24 અને પાદરાના 7 વોર્ડના 28 ઉમેદવારો જાહેર કરાયા છે. આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતના 34 અને તાલુકા પંચાયતના29 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત તાલુકા પંચાયતોમાં કરજણના 20, શિનોરના16, વાઘોડીયાના 20, પાદરાના 26, ડભોઇના 20, સાવલી તાલુકાના 22 અને ડેસરના 16 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ઉમેદવારોની આ યાદી જાહેર થયા બાદ હવે ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપે આ વખતે અનુભવી અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક