10 મિનિટમાં થયેલા 100 હુમલામાં 254 મૃત્યુ, હજારો ઘાયલ
નવી
દિલ્હી, તા. 9 : ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના સંવેદનશીલ સમય વચ્ચે ઈઝરાયલે લેબનોન
ઉપર કહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. ઈઝરાયલે બુધવારે રાત્રે લેબનોન ઉપર 30 વર્ષનો
સૌથી મોટો હુમલો કર્યો હતો. જેમાં 50થી વધારે
યુદ્ધ વિમાનો દ્વારા માત્ર 10 જ મિનિટમાં 100થી વધારે હુમલામાં 254 લોકોએ જીવ ગુમાવ્યો
હતો અને 700થી વધારેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લેબનોનના રાષ્ટ્રપતિ દ્વારા આ હુમલાને
નરસંહાર ગણાવવામાં આવ્યો હતો. ઈઝરાયલના આ હુમલા બાદ દુનિયાભરના દેશો દ્વારા લેબનોન
ઉપર હુમલા રોકવા અપીલ કરી હતી. આ હુમલા બાદ ઈરાન દ્વારા ફરી એક વખત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ
બંધ કરવાનું એલાન કર્યું હતું.
લેબનોનમાં
ઈઝરાયલની કાર્યવાહીને યુદ્ધવિરામ સમજૂતિનો ભંગ ગણાવતા ઈરાને સખત શબ્દોમાં ચેતવણી આપી
હતી કે ઈરાનની આંગળી હજી પણ ટ્રિગર ઉપર જ છે. ઈરાને કહ્યું હતું કે સીઝફાયરનો અર્થ
યુદ્ધની સમાપ્તિ નથી. જો કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી થઈ તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ દરમિયાન ઈરાને
નક્કી કર્યું છે કે સીઝફાયરના સમય દરમિયાન હોર્મુઝમાંથી દરરોજ 15 જહાજને જ પસાર થવા
દેવાશે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રી અનુસાર દેશની લગભગ તમામ હોસ્પિટલ ઈજાગ્રસ્તોથી ભરેલી
છે અને ચિકિત્સા વ્યવસ્થા તૂટી પડવાની કગારે છે. ઈઝરાયલી હુમલામાં 1700થી વધારે લોકોએ
જીવ ગુમાવ્યો છે. જેમાં 130 બાળકો સામેલ છે જ્યારે ઈઝરાયલનું કહેવું છે કે હિઝબુલ્લાના
1100 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
આ ખૂની સંઘર્ષ વચ્ચે અમેરિકા તરફથી પણ નિવેદન સામે
આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામને
લેબનોન સાથે કોઈ લેવાદેવા નથી. અમેરિકા અનુસાર લેબનોનમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી
ઈરાન સાથેની સમજૂતીના દાયરાથી બહાર છે. જો કે ઈરાન દ્વારા લેબનોન ઉપર થઈ રહેલા પ્રહારની
નિંદા કરવામાં આવી છે.
ઈરાનની
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ તરફથી ઈઝરાયલને ચેતવણી જાહેર કરવામાં આવી છે કે જો દક્ષિણ
લેબનોનમાં ગોળીબાર બંધ કરવામાં નહીં આવે તો એર અને મિસાઇલ યૂનિટ તેલ અવિવ ઉપર હુમલો
કરશે.
ઈરાનની
ન્યૂઝ એજન્સી તસ્નીમે સૂત્રોના હવાલાથી દાવો કર્યો હતો કે જો લેબનોન ઉપર ઈઝરાયલી હુમલા
બંધ નહીં થાય તો ઈરાન વર્તમાન યુદ્ધવિરામથી પાછળ હટી જશે. આ ધમકી સંકેત છે કે ફરી એક
વખત અગામી સમયમાં યુદ્ધ મોટું રૂપ લઈ શકે છે અને તેમાં ઈરાન સીધું કૂદી શકે છે. ઈઝરાયલ
દ્વારા લેબનોન ઉપર કરવામાં આવેલી કાર્યવાહીની
અસર સમુદ્રી વ્યાપારી રસ્તા સુધી પણ પહોંચી છે. શિપિંગ સૂત્રો અનુસાર ઈરાની નૌકાદળે
એક સત્તાવાર સંદેશ જાહેર કરીને જહાજ માલિકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે સંબંધિત
સમુદ્રી રસ્તેથી પસાર થવા માટે દરેક જહાજે તેહરાનની મંજૂરી લેવી પડશે.
સંદેશમાં
કહેવામાં આવ્યું છે કે મંજૂરી વિના હોર્મુઝમાં પ્રવેશ કરનારા જહાજોને નિશાન બનાવવામાં
આવશે. હુમલા કરીને જહાજ નષ્ટ કરી દેવાશે. આ કદમથી આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ ઉપર ફરીથી
સંકટ તોળાઈ રહ્યું છે.
ઈરાન
સાથે જલ્દી થશે સીધી વાતચીત : ટ્રમ્પ
અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી હતી કે ઈરાન સાથે પ્રત્યક્ષ શાંતિ વાર્તા પાકિસ્તાનમાં
ટૂંક સમયમાં યોજવામાં આવશે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી મુલાકાત જલ્દી થશે. જો કે સુરક્ષા
કારણોથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની બેઠકમાં ભાગીદારી હજી નિશ્ચિત નથી. ટ્રમ્પે કહ્યું
હતું કે અમેરિકી વિશેષ દૂત સ્ટિવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર આ વાતચીતમાં સામેલ
થશે. જેડી વેન્સ પણ જઈ શકે છે પણ સુરક્ષા મુદ્દાઓને ધ્યાને રાખીને નિર્ણય હજી લેવાયો
નથી.
હિઝબુલ્લા
ચીફનો સેક્રેટરી ઠાર
નવી
દિલ્હી, તા. 9 : ઈઝરાયલે દાવો કર્યો છે કે રાતભર લેબનોનની રાજધાની બેરૂતમાં કરેલા હુમલામાં
હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમનો ભત્રીજો યૂસુફ હર્શી માર્યો ગયો છે. યૂસુફ હર્શી હિઝબુલ્લાહ
ચીફનો પર્સનલ સેક્રેટરી પણ હતો. ઈઝરાયલી સેના તરફથી અપાયેલાં નિવેદનમાં કહેવામાં આવ્યું
હતું કે, સેનાએ બેરૂત ક્ષેત્રમાં હુમલો કર્યો હતો અને નઈમ કાસિમના પર્સનલ સેક્રેટરી
અને ભત્રીજા અલી યૂસુફ હર્શીનો ખાત્મો કરવામાં આવ્યો છે.
ઈઝરાયલી
સેનાએ કહ્યું હતું કે, હર્શી હિઝબુલ્લાહ ચીફનો નજીકનો સહયોગી હતો અને સલાહકાર હતો.
તેણે હિઝબુલ્લા ચીફના ઓફિસને મેનેજ કરવામાં અને સુરક્ષામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર ડીલ છતાં લેબનોનમાં હિંસા થંભી નથી
અને ઈઝરાયલે 30 વર્ષનો સૌથી મોટો હુમલો કર્યો હતો. ઈઝરાયલનો દાવો છે કે સીઝફાયર ડીલમાં
લેબનોન સામેલ નથી અને તે હિઝબુલ્લાહને નિશાન બનાવી રહ્યું છે. લેબનોનમાં ઈઝરાયલ દ્વારા
કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં અત્યારસુધીમાં 1500થી વધારે લોકો માર્યા ગયા છે.