આજે રાજકોટ, અમદાવાદ સહિતની બાકી મનપાના ઉમેદવારો પર થશે ચર્ચા : નિયત સમયમર્યાદામાં ઉમેદવારોના નામ નક્કી ન થઈ શક્યા
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.9: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા
આ વખતે ખાસ્સી જટિલ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલી પ્રદેશ પાર્લામેન્ટ્રી
બોર્ડની બેઠક અગાઉના નિર્ધારિત સમયપત્રક મુજબ ત્રણ દિવસ હતી અને આ બેઠક આજે પૂર્ણ થવાની
હતી પરંતુ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં જોવા મળી રહેલી ભારે ખેંચતાણ અને રસાકસીને
કારણે આ બેઠક હવે એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના
જણાવ્યા અનુસાર, ખાસ કરીને મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારો નક્કી કરવામાં પક્ષના આંતરિક
સ્તરે ભારે મથામણ ચાલી રહી છે. નિયત સમયમર્યાદામાં તમામ નામો પર સહમતી ન સધાતા હવે
આવતીકાલે પણ પ્રદેશ ભાજપની મહત્ત્વની બેઠક ચાલુ રહેશે. અનેક બેઠકો પર એકથી વધુ મજબૂત
દાવેદારો હોવાને કારણે અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં લેતા નિર્ણય લેવામાં વિલંબ
થઈ રહ્યો છે. આવતીકાલની બેઠકમાં મુખ્યત્વે અમદાવાદ સહિતની બાકી રહેલી મહાનગરપાલિકાઓના
ઉમેદવારો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ મનપા માટે આવતીકાલે સવારે 9 વાગ્યાથી
જ મંથન શરૂ કરી દેવામાં આવશે. આર્થિક અને રાજકીય દૃષ્ટિએ મહત્ત્વની એવી અમદાવાદ મનપામાં
કયા ચહેરાઓને તક આપવી તે અંગે હાઈકમાન્ડ દ્વારા ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે.
સૂત્રોના
જણાવ્યા મુજબ, કેટલીક સંવેદનશીલ બેઠકો પર પ્રદેશ કક્ષાએથી સીધી સૂચનાઓ આપી ઉમેદવારો
નક્કી કરવામાં આવશે. ભાજપ હવે અંતિમ તૈયારીઓમાં વ્યસ્ત છે અને શક્યતા છે કે કોર્પોરેશનના
ઉમેદવારોની જાહેરાત આવતીકાલે શુક્રવારે કરવામાં
આવશે.
ભાજપના
આયોજન મુજબ, આવતીકાલે સાંજ સુધીમાં તમામ મનપાના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત
કરી દેવામાં આવશે. જે ઉમેદવારોના નામ જાહેર થશે તેઓ આગામી શનિવારના રોજ વિજય મુહૂર્તમાં
પોતાની ઉમેદવારી નોંધાવશે. આ જાહેરાત બાદ રાજ્યના રાજકારણમાં વધુ ગરમાવો આવવાની શક્યતા
છે.