અમરોલીની મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉમેદવાર મોબાઈલથી જવાબ લખતો’તો
સુરત
તા. 20: સુરતમાં પીએસઆઈની પરીક્ષા દરમિયાન નકલ કરવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો
છે. જેમાં યુવક ચોરી કરવાના ઈરાદે મોબાઈલ ફોન સાથે પકડાઈ ગયો હતો. આ મામલે સાયબર ક્રાઈમ
પોલીસ મથકમાં ગુનો નોંધાતા પરીક્ષા પ્રણાલીની સુરક્ષા પર ફરી પ્રશ્નો ઊભા થયા છે.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ આરોપી શિવમ રામકુમાર યાદવ(ઉ.22 રહે. એ-19, કૃષ્ણા રેસીડેન્સી,
અંકલેશ્વર) પીએસઆઈની પરીક્ષા આપવા માટે ગત રોજ અમરોલી વિસ્તારમાં આવેલી મધુવન ઈન્ટરનેશનલ
સ્કૂલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેણે પરીક્ષા દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવવા
પર પ્રતિબંધ હોવા છતાં શિવમે ઓપ્પો કંપનીનો એફ-29 મોડલનો મોબાઈલ ફોન પોતાના પાસે રાખ્યો
હતો. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તેણે પોતાની બેઠક રૂમમાં મોબાઇલ છૂપાવી દીધો હતો.
પેપર શરૂ થયા બાદ તે મોબાઈલ ફોન પર ગૂગલ સર્ચ કરીને પ્રશ્નોના જવાબ શોધી રહ્યો હતો.
તે વેળાએ પરીક્ષા સુપરવાઈઝરની નજર પડતા જ તેને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી
પ્રતિબંધિત મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટક્ટર અને
સઘન શારીરિક ચાકિંગ હોવા છતાં, ઉમેદવાર મોબાઈલ ફોન અંદર લઈ જવામાં કઈ રીતે સફળ રહ્યો?
જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.