ટોક્યો-ઓમોરી વચ્ચે બુલેટ ટ્રેન સુવિધા થંભી : લોકોને ઊંચાણ ધરાવતાં સ્થળે પહોંચી જવા ચેતવણી મળી
ટોક્યો,
તા. 20 : જાપાનના ઉત્તરી ભાગમાં સોમવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા
રિક્ટર સ્કેલ ઉપર 7.4ની રહી હતી. ભૂકંપ બાદ જાપાનનાં હવામાન વિભાગે સુનામીની આશંકા
વ્યક્ત કરતા દરિયા કિનારે રહેતા લોકોને તાકીદે જગ્યા ખાલી કરવા અપીલ કરી દીધી હતી.
સાથે જ જાપાનના પીએમએ ઇમર્જન્સીની સ્થિતિનો સામનો કરવા માટે ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું
હતું. તેમણે પણ લોકોને તટીય વિસ્તાર છોડીને સુરક્ષિત ઊંચાઈએ પહોંચી જવા કહ્યું હતું.
ભૂકંપનાં કારણે ટોક્યો અને ઓમોરી વચ્ચેની બુલેટ ટ્રેન સેવા રોકી દેવામાં આવી હતી અને
વીજ કંપનીઓએ પરમાણુ પ્લાન્ટની સુવિધાઓની સમીક્ષા શરૂ કરી દીધી હતી.
જાપાનના
હવામાન વિભાગ અનુસાર ભૂકંપ પ્રશાંત મહાસાગરમાં 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થાનિક સમય અનુસાર
સાંજે 4.53 મિનિટે આવ્યો હતો. ભૂકંપ બાદ અધિકારીઓએ તરત જ ઈવાતે, આઓમોરી અને હોક્કાઈડો
પ્રાંતમાં ત્રણ મીટર ઊંચી સુનામીની લહેરની આશંકા વ્યક્ત કરી હતી. સાથે જ લોકોને દરિયા
કિનારા વિસ્તારથી દૂર રહેવા કહ્યું હતું. જાપાનના સાર્વજનિક પ્રસારક એનએચકે દ્વારા
લોકો વચ્ચે એલર્ટ જાહેર કર્યું હતું જ્યારે હેચિનોકે પોર્ટથી જહાજોને સુરક્ષિત સમુદ્રમાં
મોકલી દેવાયા હતા.
ક્યોડો
ન્યૂઝ એજન્સી અનુસાર ટોક્યોથી અમોરી સુધી દોડતી બુલેટ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી.
ઘણી જગ્યાએ ઈમારતો અને સડકોને નુકસાન પહોંચવાના અહેવાલ સામે આવ્યા હતા. રેલવે સ્ટાફ
દ્વારા સ્ટેશનોની સમીક્ષા શરૂ કરવામાં આવી હતી. જાપાની એજન્સીએ ચિંતા વ્યક્ત કરી હતી
કે સુનામીની લહેરો વારંવાર તટ સાથે ટકરાઈ શકે છે. જ્યાં સુધી ચેતવણી હટાવવામાં ન આવે
ત્યાં સુધી લોકોએ સુરક્ષિત સ્થાને જ રહેવું તેમ પણ કહેવામાં આવ્યું હતું. આ અગાઉ
2011માં જાપાનમાં 9.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેમાં 18 હજારથી વધારે લોકોએ
જીવ ગુમાવ્યો હતો.