• મંગળવાર, 21 એપ્રિલ, 2026

વાટાઘાટ પહેલા જ શાંતિભંગ!

- પાક.માં અમેરિકા - ઈરાન વચ્ચે બેઠક મળે તે પહેલા જ વાટાઘાટની સંભાવના ઉપર પાણી ફરી વળ્યું

- અમેરિકાએ ઈરાનનું જહાજ કબજામાં લઈ લેતા ઓમાનની ખાડીમાં આગ ભડકી : ઈરાને અમેરિકી જહાજો ઉપર ડ્રોન વરસાવ્યા

- અમેરિકી પ્રતિનિધિમંડળ પાક. પહોંચે તે પહેલા જ ઈરાનની બેઠકમાં સામેલ થવા ઈન્કાર : મુનીરે લગાવ્યો ટ્રમ્પને ફોન, સ્થિતિથી કર્યા વાકેફ

 

નવી દિલ્હી, તા.20: ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની અવધિ પૂર્ણ થવા આડે 48 કલાક પહેલા જ પાકિસ્તાનમાં બન્ને દેશ વચ્ચે શાંતિ સમજૂતીની બીજા તબક્કાની વાતચીત શરૂ થયા પહેલા જ અટકી ગઈ છે. ઓમાનની ખાડીમાં અમેરિકાએ ઈરાનનું એક માલવાહક જહાજ કબ્જામાં લઈ લીધા બાદ બન્ને દેશ વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેનાં હિસાબે વાટાઘાટ શરૂ થયા પહેલા જ વિફળ થવાની આશંકા ઉભી થઈ છે. જો કે આ તનાવ વચ્ચે પણ પાકિસ્તાનને હજી ય બેઠક થવાની આશા છે અને તે આનાં માટે છેલ્લી ઘડીનાં પ્રયાસો કરવામાં લાગી

ગયું છે. અમેરિકાએ હોર્મુઝમાં ઘેરાબંધી તોડવાનો આરોપ લગાવીને ઈરાનનાં એક તોસ્કા નામક જહાજ ઉપર હુમલો કરીને પોતાનાં કબજામાં લઈ લીધું હતું. જેને પગલે રોષે ભરાયેલા ઈરાને અમેરિકા ઉપર યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવીને અમેરિકાનાં યુદ્ધ જહાજો ઉપર ડ્રોન હુમલો બોલાવી દીધો હતો.

એકબાજુ અમેરિકી પ્રતિનિધિમંડળ આજે ઈસ્લામાબાદ પહોંચવાનું હતું તો બીજીબાજુ તનાવ વધારતી અમેરિકાની કાર્યવાહીથી ઉશ્કેરાયેલા ઈરાને વાટાઘાટમાં સામેલ થવાં ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, હાલનાં સંજોગોમાં અમેરિકા સાથે વાતચીતનો તેનો કોઈ ઈરાદો નથી. જેને પગલે હવે વાટાઘાટો થશે કે નહીં તે જ શંકાસ્પદ બની ગયું છે.

ઈરાન સાથે વાટાઘાટ માટે અમેરિકાનું પ્રતિનિધિમંડળ આજે ઈસ્લામાબાદ પહોંચવાનું હતું એ પહેલા જ ઓમાનની ખાડીમાંથી શાંતિની સંભાવના સામે સંશય પેદા કરતાં સમાચાર આવ્યા હતાં. એક ઈરાની માલવાહક જહાજ ઉપર હુમલો કરીને અમેરિકી દળોએ તેને બાનમાં લઈ લીધું હતું. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આની ઘોષણા સોશિયલ મીડિયા ઉપર કરી હતી. આ ઘટના બાદ ઈરાન બરાબર ઉશ્કેરાઈ ગયું હતું અને ઓમાનની ખાડીમાં તૈનાત અમેરિકી યુદ્ધ જહાજોને નિશાન બનાવીને તાબડતોબ ડ્રોન હુમલા શરૂ કરી દીધા હતાં. ઈરાને અમેરિકાની આ કાર્યવાહીને યુદ્ધવિરામનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બન્ને દેશ વચ્ચે 7 એપ્રિલે પાકિસ્તાનની મધ્યસ્થતામાં યુદ્ધવિરામ ઘોષિત કરવામાં આવેલું અને તેની અવધિ 22મી એપ્રિલે પૂર્ણ થવાની છે. તે પહેલા બન્ને દેશ વચ્ચે વાટાઘાટનો તખ્તો તૈયાર થયો હતો પણ હવે અમેરિકાનાં આ પગલા બાદ ફરીથી ઈરાન આ વાટાઘાટમાં સામેલ થવા માટે આનાકાની કરવાં માંડયું છે. વાટાઘાટમાં જોડાવાનો ઈનકાર કર્યા અગાઉ ઈરાને પાક.ને પોતાનો 10 સૂત્રીય પ્રસ્તાવ પણ આપેલો. જેનાં ઉપર તે અમેરિકા સાથે વાટાઘાટમાં સામેલ થઈને ચર્ચા કરવાં માગતું હતું. જો કે અમેરિકા તરફથી ઈરાની જહાજ ઉપર કબ્જો કરીને આખી બાજી બગાડી નાખવામાં આવી છે.

ઈરાને અમેરિકા ઉપર અવિશ્વાસ વ્યક્ત કરીને વાતચીતમાં સામેલ થવાનો ઈન્કાર કરી દેતા પાક.નાં સેના પ્રમુખ આસીમ મુનીરને પરસેવો વળી ગયો છે. તેમણે તાત્કાલિક ટ્રમ્પ સાથે ફોન ઉપર વાત કરી હતી અને તેમને સ્થિતિથી અવગત કર્યા હતાં. જેમાં મુનીરે ટ્રમ્પને જણાવ્યું હતું કે, અમેરિકી નૌસેના દ્વારા ઈરાની બંદરોની ઘેરાબંધી હવે વાટાઘાટ માટે સૌથી મોટો અવરોધ બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયલે 29 ફેબ્રુઆરીએ ઈરાન ઉપર હુમલા કરીને યુદ્ધનો આગાઝ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલાનાં કારણે ઈરાનમાં કમસેકમ 3375 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં 2875 પુરુષ અને 496 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં 383 બાળકો પણ સામેલ છે. જો કે આ મૃત્યુઆંકમાં કેટલા સૈનિકો અને કેટલા નાગરિકો હતાં તેનું કોઈ વિવરણ ઈરાન તરફથી આપવામાં આવ્યું નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોટા આંકડિયા અને કાઠમા ગામે એકલાયા જીવનથી કંટાળી યુવાન અને પ્રૌઢે ઝેર પીધું April 21, Tue, 2026