• મંગળવાર, 21 એપ્રિલ, 2026

ખારચિયા નજીક કાર અક્સ્માતમાં જસદણની યુવતીનું મૃત્યુ

શરણાઈઓ ગુંજે તે પહેલા જ માતમ: સાસરે કંકુ પગલા કરવા જતી કન્યાનું અકસ્માતમાં કરુણ મૃત્યુ 

રાજકોટ, તા.20: આટકોટ-ગોંડલ હાઈવે પર ખારચિયા ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. લગ્નની ખરીદી કરીને ભાવિ પતિ અને દિયર સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા વૈશાલીબેનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જે દીકરીના સાસરે થોડા દિવસોમાં ‘કંકુ પગલા’ પાડવાના હતા, તેના મૃત્યુથી પિયર અને સાસરી પક્ષમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલીના લાઠી ખાતે રહેતા હિતેશભાઈ ડેર તેમના મોટા ભાઈ સંજયભાઈ સાથે કાર લઈને જસદણ આવ્યા હતા. સંજયભાઈની સગાઈ ચાર મહિના પહેલા જસદણની વૈશાલીબેન સાથે થઈ હતી. રવિવારે સવારે આ બંને ભાઈઓ વૈશાલીબેનને સાથે લઈને રાજકોટ-ગોંડલ લગ્નની ખરીદી કરવા ગયા હતા. ખરીદી પતાવી પરત ફરતી વખતે ખારચિયા ગામ પાસે સામેથી આવતા વાહને ધડાકાભેર ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં સંજયભાઈનેગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ત્રણેયને આટકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ વૈશાલીબેનને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડયું હતું. આગામી દિવસોમાં જે ઘરમાં લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી ત્યાં માતમ છવાઈ ગયો છે. આ મામલે ઇજાગ્રસ્ત હિતેશભાઈ ડેરે આટકોટ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક