વરુણ ચક્રવર્તીનો ખુલાસો
કોલકતા,
તા.20: કેકેઆરના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ખુલાસો કરતા જણાવ્યું કે રાજસ્થાન
રોયલ્સ સામેની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા. કેકેઆર ટીમ માટે
આઈપીએલની વર્તમાન સીઝન સારી રહી નથી. 6 મેચ બાદ પહેલી જીત નસીબ થઇ છે. એક મેચ પંજાબ
સામેનો વરસાદની ભેટ ચડી ગયો હતો. આથી કેકેઆર હાલ પોઇન્ટ ટેબલ પર 3 અંક સાથે નવમા સ્થાને
છે. રાજસ્થાન સામેના મેચમાં વરુણે ફોર્મ વાપસી કરીને 14 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
મેચ
પછી વરૂણે જણાવ્યું કે આ જીત પછી ડ્રેસિંગ રૂમમાં ઘણા ખેલાડીની આંખમાં આંસુ હતા. આ
માહોલ 2024ની ખિતાબી જીતથી પણ વધુ ભાવુક હતો. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આઇપીએલ ઈતિહાસમાં
મુંબઈ ઇન્ડિયન્સે 2022માં સતત 8 હાર સહન કરી હતી. જયારે દિલ્હી (2013) અને આરસીબી (2019)એ
તેમના શરૂના 6 મેચ ગુમાવ્યા હતા. વરૂણે કહ્યું અમે ટીકાઓ પર ધ્યાન આપ્યું ન હતું. આ
જીતથી એટલું સ્પષ્ટ છે કે કોઇ પણ ટીમ અમને આસાનીથી પાર કરી શકશે નહીં. વરૂણે તેની સફળતાનો
શ્રેય કોચ અભિષેક નાયરને આપ્યો હતો.