• બુધવાર, 22 એપ્રિલ, 2026

ધંધુકા હત્યાકાંડના આરોપીઓનાં ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર

300થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત, નગરપાલિકા અને છ।ઇના 50 કર્મચારી ડિમોલિશન કામગીરીમાં જોડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.21 : ધંધુકાના ચકચારી હત્યાકાંડના આરોપીઓ વિરુદ્ધ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યાકાંડના મુખ્ય આરોપીઓની ગેરકાયદે મિલકતો અને રહેણાક બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

આરોપીઓએ સરકારી જમીન પર નગરપાલિકાની મંજૂરી વગર જે ગેરકાયદે મકાનો અને બાંધકામો ઊભા કર્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે જેસીબી અને બુલડોઝરની મદદથી ખાટકી વાડમાં ગણતરીનાં કલાકોમાં ચાર-પાંચ જેટલાં મકાનોનો સફાયો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 14 જેટલી દુકાનોના શેડ તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર હવે બગોદરા તથા રાણપુર હાઇ-વે પર ઊભા કરાયેલા ગેરકાયદે લારી-ગલ્લા અને બાંધકામો સામે લાલ આંખ પણ કરશે. ધંધુકામાં ભરવાડ સમાજના યુવકની નજીવી બાબતે છરી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં બે આરોપીઓની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. બન્ને આરોપીના સોમવારે બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.

ગુનેગારોમાં કાયદાનો ડર પેદા થાય તે હેતુથી યુપી સ્ટાઈલ મોડલ જેવી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસ.પી. સહિતના 300 પોલીસકર્મી હાજર રહ્યા હતા. સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડયા હતા પરંતુ ચુસ્ત સુરક્ષા ઘેરા વચ્ચે શાંતિપૂર્ણ રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક