• ગુરુવાર, 18 જૂન, 2026

અમદાવાદમાં ભાણાએ મામા સાથે કરી 10 કરોડથી વધુની ઠગાઈ

દંપતીની ધરપકડ : ફરિયાદીના નામે બોગસ કંપની ખોલીને ખોટી સહીઓ કરી વ્યવહારો પણ કર્યા હોવાનું ખુલ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ,તા.17: અમદાવાદમાં શેરબજારમાં રોકાણ પર ઉંચા નફાની લાલચ આપીને પોતાના જ કૌટુંબિક મામા સાથે 10 કરોડ રૂપિયાથી વધુની છેતરાપિંડી આચરવાના એક કૌભાંડમાં દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

જગતપુર અને ગાંધીનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ ચલાવતા જવલીન નાયક અને તેની પત્ની બોસકી નાયકે પોતાના કૌટુંબિક મામા કૌશલ નાયક પાસેથી 5.91 કરોડ રૂપિયા અને તેમના અન્ય સંબંધીઓ પાસેથી 4.44 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. આમ, કુલ 10.36 કરોડથી વધુ રકમ પડાવીને દંપતીએ છેતરાપિંડી આચરી હતી તેમજ ફરિયાદીના નામે બોગસ કંપની પણ ઉભી કરી નાંખી હતી. સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ફરિયાદી કૌશલ નાયકે પોતાની દીકરીના યુએસએના વિઝા મેળવવા માટે આરોપીઓ પાસે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા.

આરોપીઓએ રૂપિયા આપવાના બદલે ફરિયાદીના બેંક એકાઉન્ટમાં 50 લાખ જમા કરાવ્યા હોવાની એક બોગસ બેન્ક સ્લીપ પકડાવી દીધી હતી. આ અંગે જાણ થતાં આખરે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે જવલીન અને બોસકીની ધરપકડ કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 21મી જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે અને હવે તેઓએ આ 10 કરોડથી વધુની રકમનું ક્યાં રોકાણ કર્યું છે? તે અંગેની સઘન તપાસ શરૂ કરી છે. આ કેસમાં તેમણે ફરિયાદીના નામે એક બોગસ કંપની ઊભી કરીને ખોટી સહીઓથી ટ્રાન્ઝેક્શન કર્યાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. 

 

ઇ-પેપરના નવા શુલ્ક