• શનિવાર, 20 જૂન, 2026

ગોંડલમાં પત્ની અને તેના પ્રેમીએ મળી કરેલા જીવલેણ હુમલામાં પતિનું મૃત્યુ

બનાવ હત્યામાં પલટાયો : મૃતકને દારૂનો ધંધો કરી વધુ પૈસા કમાવાની લાલચ આપી સીમ વિસ્તારમાં બોલાવી પતાવી દીધો 

ગોંડલ, તા.19:ગોંડલના દેવપરામાં ગઈ કાલે પત્નીએ પ્રેમી સાથે મળી પોતાના પતિનું કાસળ કાઢવી નાખવાનો કીમિયો ઘડયો હતો, યુવકને અવાવરું જગ્યાએ બોલાવી માથાના ભાગે પથ્થરનો ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ પહોચી હતી જેના કારણે યુવાનને તત્કાલ સારવાર અર્થે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ગઈ રાત્રે ચાલુ સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને પ્રેમી પંખીડાને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

    જાણવા મળ્યા મુજબ ગઈ કાલે ગોંડલના દેવપરા વિસ્તારમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા જુનેદ ઈબ્રાહીમ કબીર નામના યુવકની તેની જ પત્ની અને પત્નીના પ્રેમીએ ભેગા મળી ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત બુધવારે વહેલી સવારે જુનેદ સીમ વિસ્તાર માંથી લોહીલુહાણ અને બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ગઈ કાલે મોડી રાત્રે ચાલુ સારવાર દરમિયાન જુનેદનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસના પીઆઈ યુ.આર.ડામોરે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે મૃતક જુનેદની પત્ની નામિયાબાનુને પાડોશમાં રહેતા આસિફ સતાર ડેલા સાથે પ્રેમ સંબંધ હતો. બન્નેએ સાથે લગ્ન કરવા માટે જુનેદને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડયું હતું. યોજના મુજબ, આસિફે જુનેદને દારુનો ધંધો કરી વધુ પૈસા કમાવવાની લાલચ આપી હતી અને રાત્રિના સમયે તેને ડૈયા ગામની સીમમાં નદીકાંઠે લઈ જઈ માથાના ભાગે પથ્થર અને બેલાના ઘા ઝીંકી દીધા હતા.

    શરૂઆતમાં અજાણ્યા શખસો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ કરતી પોલીસે શંકાના આધારે આસિફને પકડીને આગવી ઢબે પૂછપરછ કરતાં સમગ્ર પાપલીલાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ગુનામાં કાવતરું રચનાર પત્ની નામિયાબાનું કબીર અને તેના પ્રેમી આસિફ સતાર ડેલાની ધરપકડ કરી લીધી છે. ગોંડલ તાલુકા પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક