• શનિવાર, 20 જૂન, 2026

ઊંચું ઉત્પાદન અને નિકાસ ઘટતાં કચ્છની કેસર કેરીની ધૂમ આવક

યુધ્ધને લીધે નિકાસ પ્રભાવિત : ખેડૂતોને સારાં ભાવ મળ્યા, ગ્રાહકોને વાજબી ભાવથી કેરી મળી

અંબર અંજારિયા

ભૂજ,તા. 19: આઠ વર્ષ પછી કચ્છમાં કેસર કેરીનું ઊંચું ઉત્પાદન અને પ્રિમિયમ ક્વોલિટી મળવાને લીધે કેરીના શોખિનો ખુશખુશાલ થઇ ગયા છે. પ્રિમિયમ ક્વોલિટીની કેસરની નિકાસ નબળી રહેતા લોકો સારી કેરી મેળવી શક્યા છે. યુદ્ધ પ્રેરિત વિકટ સંજોગોની સાંકળમાં  બંધાઇને  કચ્છના ખેડૂતો વિદેશી બજારમાં મીઠાં-મધુરાં આમ્ર ફળની નિકાસ કરી શક્યા નથી.

નિકાસ ઘટવાની સાથો સાથ વાવેતરનો વિસ્તાર વધ્યો છે તેની અસર પણ ભાવ  પર પડી છે. રણપ્રદેશમાં 14,500 હેક્ટરથી વધુ ભૂભાગ પર કેસર કેરીનું વાવેતર થયું હતું, જેના પગલે આ વખતે  ફાલ પણ  ઘણો ઉતર્યો છે.

કચ્છમાં કેસરની ખેતીના પાયોનિયર અને ગુજરાત એગ્રીના ડાયરેક્ટર રહી ચૂકેલા બટુકાસિંહ જાડેજા કહે છે કે, આ વખતે નિકાસ એકાદ ટકો પણ માંડ થઇ શકી છે.ઘરેલુ બજારોમાં આ વર્ષે પુષ્કળ માલ ઉતરતાં ભાવ પણ ઠીક સારા મળ્યા છે. એટલે ખાનારા પણ ખુશ છે અને ખેડૂત પણ ખુશ છે, તેવું જણાવ્યું હતુ.

આ વખતે માંગરોળના વેપારીઓ પણ ઓછા આવ્યા, જે દરવર્ષે કચ્છના બગીચાઓમાં ઉતરી પડતા હોય છે.અલબત્ત ઉતારતાં પહેલાં ઉતારા વખતે કાળા ડાઘ પડી ગયા હોય, તેવી કેસર બજારમાં ઓછાં પ્રમાણમાં અને ઓછા ભાવે વેંચાઇ હતી. જોકે, આવી કેસરનું પ્રમાણ 10થી 15 ટકા જ રહ્યું.

આશાપુરા ફાર્મના પ્રયોગશીલ કિસાન અગ્રણી હરેશ મોરારજી ઠક્કર કહે છે કે, એક સમય હતો જ્યારે  કચ્છ પર હાથ રાખીને હાફૂસ મુંબઇ મોકલતું, જ્યારે આજે કચ્છી કેસરની મદદથી કચ્છ મુંબઇ અને આખા મહારાષ્ટ્રની માંગ પૂરી કરે છે. આ વર્ષે વિદેશી બજારનો પંથ યુદ્ધે કપરો બનાવી નાખતાં કેસર કેરી વાવતા કચ્છના ખેડૂતો માટે મોટી અને મુખ્ય બજાર મુંબઇની રહી. 

રણપ્રદેશમાં કેસર બાદ હવે જમ્બો કરી અને સોનપરી (સરસ્વતી) કેરીની નવી, નફાકારક જાતોની ખેતી પણ થવા માંડી છે. સોનપરીમાંથી સારી કમાણી થતી હોવાનું વિશ્વાસભેર કહેતાં હરેશભાઇ કહે છે કે, 200થી 300 રૂપિયે કિલ્લોના ભાવે વેંચાતી આ કેરીનો ફાલ પણ જબ્બર ઉતરે છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના લોકોએ આ વર્ષે 90થી 110 રૂપિયાના ભાવે લોકોએ  હોંશભેર ખરીદીને કેસરની મજા માણી છે. હજુ વરસાદ ખેંચાશે તો દેશી ખારેકની બજાર પણ ખેડૂતને ખાવાનો મોકો મળશે.

-------------------

તાલાલા બંધ થતાં હવે

કચ્છની કેરી સૌરાષ્ટ્રમાં

કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે ખાસ અંતર નથી. કચ્છમાં કેરીની આવક વીસેક દિવસથી થઇ રહી છે પરંતુ હવે ચોમાસું નજીક આવતા ફટાફટ ફાલ ઉતરી રહ્યો છે. કેરીના ઢગલાબંધ બોક્સ ભરાઇને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ સ્થળોએ ઠલવાઇ રહ્યા છે. ટ્રાવેલની બસ કે ખાનગી વાહનોમાં કે કુરિયરમાં પાંચ અને દસ કિલોના બોક્સ અઢળક આવે છે. કચ્છ પંથકમાં કેરીના બોક્સનું પાકિંગ પણ આકર્ષક હોય છે. પાંચ કિલોના નાના બોક્સ વહનમા સરળ છે અને ખરીદીમાં પણ લોકોને પોસાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક