સરકારે કહ્યું, ચેટ કરનાર પકડવા મુશ્કેલ હોવાથી આતંકી સાયબર ગુનેગારોને મોકળું મેદાન
નવી
દિલ્હી, તા. 18 : ટેલિગ્રામ પર પ્રતિબંધનો વિવાદ અદાલતમાં પહોંચી ગયો છે, ત્યારે કેન્દ્ર
સરકારે ગુરુવારે મોટો દાવો કરતાં કહ્યું હતું કે, ટેલિગ્રામ આતંકવાદી ગતિવિધિઓ માટે
સૌથી સરળ પ્લેટફોર્મ બની ગયું છે. ટેલિગ્રામ એપ એક નવી ડાર્ક વેબ બની ગઈ છે. અપરાધી,
સાયબર ગુનેગારો, કટ્ટરપંથી જૂથો કાયદાની નજરથી બચવા તેનો ઉપયોગ કરે છે, તેવું સોલિસીટર
જનરલે જણાવ્યું હતું.
ટેલિગ્રામ
પર કંઈ ખોટું થાય તો શું કંપની તેની જવાબદારી લેશે, તેવો સવાલ સોલિસીટર જનરલ તુષાર
મહેતાએ ઉઠાવ્યો હતો. ટેલિગ્રામ પર બેકડેટિંગ ફિચર અસલી ખતરો છે, આ એપમાં એક એવું ફિચર
છે, જેમાં તારીખ અને સમયમાં ફેરફાર કરી શકાય છે. ટેલિગ્રામ પર ફોન નંબર બતાવ્યા વગર
ચેટિંગ થઈ શકે છે. આમ, ચેટ કરનારને પકડી શકવું મુશ્કેલ હોવાથી અપરાધીઓ માટે આ એપનો
ઉપયોગ સરળ બની જાય છે. કેન્દ્ર સરકારે એવો આરોપ મૂક્યો હતો કે, ટેલિગ્રામ ગ્રુપ્સ મારફતે
હિંસક કટ્ટરપંથી સામગ્રી તેમજ આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલી માહિતીઓ પણ ફેલાવાય છે.