સ્વિસ ટીમની બોસ્નિયા-હર્જેગોવિના વિરુદ્ધ 4-1થી જોરદાર જીત: આફ્રિકા-ઝેકનો મેચ 1-1થી ડ્રો
મેક્સિકો
સિટી /વેનકુંવર, તા.19: ફૂટબોલ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજના મુકાબલાનો રોમાંચ ચરમ પર
પહોંચી ચૂક્યો છે. સહયજમાન ટીમ મેક્સિકો નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનારી પહેલી ટીમ બની
છે. તેનો બીજા લીગ મેચમાં દ. કોરિયા વિરુદ્ધ 1-0થી રોમાંચક વિજય થયો હતો. અન્ય સહ યજમાન
ટીમ કેનેડાએ વિશ્વ કપ ઈતિહાસમાં તેની પહેલી જીત નોંધાવી છે. જોનાથન ડેવિડની હેટ્રિકની
મદદથી કતર વિરુદ્ધ કેનેડાનો 6-0 ગોલથી ઐતિહાસિક વિજય થયો હતો જ્યારે સ્વિત્ઝરલેન્ડનો
બોસ્નિયા-હર્જેગોવિના વિરુદ્ધ 4-1 ગોલથી જોરદાર વિજય થયો હતો. ગ્રુપ એના ગઇકાલના મેચમાં
દ. આફ્રિકા અને ઝેક ગણરાજ્યની ટક્કર થઇ હતી. આ મેચ 1-1થી ડ્રો રહ્યો હતો.
મેક્સિકો
ટીમે દ. કોરિયાની એક રક્ષાત્મક ભુલનો પૂરો ફાયદો ઉઠાવીને 1-0થી નિર્ણાયક જીત મેળવી
હતી. આ સાથે જ મેક્સિકો ફીફા વર્લ્ડ કપ-2026ના રાઉન્ડ-32માં જગ્યા બનાવનારી પહેલી ટીમ
બની છે. મેચનો એકમાત્ર ગોલ પ0મી મિનિટે લૂઇસ રોમોએ કર્યોં હતો. કોરિયાનો ગોલકીપર કિમ
સ્યૂંગ ટીમના એક ખેલાડી લી હ્યૂક સાથે ટકરાયો હતો. આથી તેના હાથમાંથી બોલ પડી ગયો હતો.
લૂઇસ રોમોએ મોકો ગુમાવ્યો નહીં અને ગોલ કરી દીધો. સાઉથ કોરિયા સામેની જીતથી મેક્સિકોના
ગ્રુપ એમાં 6 પોઇન્ટ થયા છે.
કેનેડાનો
એશિયન ટીમ કતર સામે 6-0 ગોલથી યાદગાર વિજય થયો છે. કેનેડાએ ફીફા વર્લ્ડ કપમાં પહેલીવાર
જીત મેળવી છે. કેનેડા તરફથી જોનાથન ડેવિડે 29, 48 અને 92મી મિનિટે ગોલ કરી હેટ્રિક
કરી હતી. સાઇન લારિને 16મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. નાથન સલીબાએ 64મી મિનિટે ગોલ
કર્યો હતો. ગ્રુપ બીમાં કેનેડાના બે મેચમાં 4 અંક થયા છે.
ગ્રુપ
બીના અન્ય એક મેચમાં બોસ્નિયા-હર્જેગોવિના સામે સ્વિસ ટીમનો 4-1 ગોલથી વિજય થયો હતો.
સ્વિસ ટીમ તરફથી જોહાન મંજામ્બીએ 74 અને 90 મિનિટે બે ગોલ કર્યા હતા જ્યારે ગ્રુપ એના
ગઇકાલના અન્ય એકમાં દ. આફ્રિકા અને ઝેક ગણરાજયના મેચનું પરિણામ 1-1 ગોલની બરાબરી પર
રહ્યું હતું.