• શનિવાર, 20 જૂન, 2026

સમજૂતી પછી લેબેનોનમાં ઇઝરાયલના હુમલાથી શાંતિ જોખમાઇ

18 લોકોનાં મૃત્યુ, હિઝબુલ્લાહના હુમલામાં ચાર ઇઝરાયલી સૈનિકનાં મૃત્યુ: અમેરિકા-ઇરાનની બેઠક ટળી: ઇરાને લેબેનોન પર હુમલા રોકવાની ખાતરી માગી

તેહરાન, તા. 19 : અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી સાથે યુદ્ધના અંતથી દુનિયાભરને હાશકારા વચ્ચે આક્રમક ઇઝરાયલે શુક્રવારે લેબેનોન પર લોહિયાળ હુમલો કરતાં કમસે કમ 18 લોકોનાં મોત થઇ ગયાં હતાં. શાંતિ સમજૂતીની શરતો હેઠળ ઇઝરાયલે હુમલા રોકવાના હતા, પરંતુ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ઇન્કાર કરી દીધો હતો. બીજી તરફ હિઝબુલ્લાહે દક્ષિણ લેબેનોનમાં કરેલા વિસ્ફોટક હુમલામાં ઇઝરાયલના ચાર સૈનિકનાં મૃત્યુ થઇ ગયાં હતાં. એકબાજુ ઈઝરાયલનાં હુમલાઓ જારી હતાં ત્યારે બીજીબાજુ અમેરિકાનાં અધિકારીઓનાં હવાલેથી અહેવાલો આવ્યા હતાં કે ઈઝરાયલ અને હિઝબુલ્લા યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયા છે અને તાત્કાલિક અસરથી હુમલા રોકવામાં આવશે. બીજીબાજુ લેબનોનમાં ઈઝરાયલનાં આક્રમણને પગલે ભડકેલા ઈરાને અમેરિકા સાથે શાંતિ વાટાઘાટો રોકવાની ધમકી આપી દીધી હતી. જેનાં હિસાબે ફરી એકવાર તનાવ વધવાની દહેશત દુનિયામાં ફેલાઈ ગઈ હતી.

બીજીબાજુ સમજૂતી કરારનાં ભાગરૂપે અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગમાંથી નાકાબંધી હટાવવાની શરૂઆત કરી દીધી હતી. તો બીજીબાજુ ઈરાને હોર્મુઝમાંથી માલ પરિવહન માટે નવી શરત લાગુ કરી દીધી હતી. ઈરાને કહ્યું હતું કે, ભલે આ જળમાર્ગમાંથી પરિવહન નિ:શુલ્ક હોય પણ તેનાં માટે જહાજોની નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે.

ઇઝરાયલની ગઇકાલ રાતથી જારી સૈન્ય કાર્યવાહીનાં કારણે આજે સ્વિત્ઝર્લેન્ડમાં ઇરાન અને અમેરિકા વચ્ચે થનારી આગળ પર ચર્ચા માટેની બેઠક રદ થઇ ગઇ હતી. ઇરાને જણાવ્યું હતું કે, ઇઝરાયલ લેબેનોનમાં લડાઇ ખતમ કરે તેવી ગેરંટી મળ્યા પછી જ અમેરિકા સાથે વાતચીતનો દોર આગળ વધી શકશે.

અમેરિકાએ ઇરાનને સંદેશ આપ્યો હતો કે, ઇઝરાયલ લેબેનોનમાં સૈન્ય હુમલા હવે આગળ નહીં વધારે.

ટ્રમ્પ પ્રશાસન ઇચ્છે છે કે, ઇરાન સાથે પરમાણુ હથિયારોના મામલે થનારી મહત્ત્વની વાતચીતનો દોર ફરી પાટા પર આવે. અહેવાલ અનુસાર, ઇઝરાયલે હાલ તુરત હુમલા રોકી દેવા પર સહમતી બતાવી દીધી હતી. હિઝબુલ્લાહ પર હવે નિર્ભર છે કે, તે વળતા હુમલા બંધ કરે.

અગાઉ ઘાતક હુમલામાં ચાર ઇઝરાયલી સૈનિકોનાં મોતથી ભડકેલા ઇઝરાયલી પીએમ નેતન્યાહુએ ચેતવણી આપી હતી કે, હિઝબુલ્લાહ હવે હુમલા કરશે તો ભારે કિંમત ચૂકવવી પડશે.

દરમ્યાન અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી થયા બાદ ગઇકાલે ગુરુવારે કુલ 25 વેપારી જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને આગળ વધ્યાં હતાં. 18મી એપિલ બાદ પહેલીવાર એક જ દિવસમાં આવડી મોટી સંખ્યામાં જહાજોએ હોર્મુઝ પાર કર્યું હતું.

ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઈઝરાયલ કાટ્ઝે વધુ એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, ઇઝરાયલી  સેના દક્ષિણ લેબેનોનથી પાછળ નહીં હટે.

 

ઇ-પેપરના નવા શુલ્ક