રેલવેમાં દંડની જોગવાઈ ડબલ : નાના-મોટા નિયમ ઉલ્લંઘન માટે પણ દંડ વધુ કઠોર કરાયા
નવીદિલ્હી,
તા.20 : હવે ટિકિટ વિના રેલવેની મુસાફરી કરવી વધુ મોંઘી પડી જવાની છે. જો આવા કોઈ ખુદાબખ્શ
પકડાશે તો તેમની પાસેથી હવે બમણો દંડ વસૂલવામાં આવશે. રેલવે દ્વારા નવા નિયમ અંતર્ગત હવે ટિકિટ વગર યાત્રા
કે યાત્રાનો પ્રયાસ કરવા સબબ ન્યૂનતમ દંડની રકમ 2પ0 રૂપિયાથી બમણી કરીને પ00 કરી નાખી
છે.
રેલવેમાં
અનુશાસન બનાવી રાખવા, યાત્રીઓની સુવિધા અને રેલવે સેવાઓને સુરક્ષિત બનાવવાનાં ઉદ્દેશથી
રેલ અધિનિયમમાં સુધારેલા દંડની જોગવાઈ લાગુ કરી દેવામાં આવી છે. રેલવે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું
કે, માત્ર ટિકીટ જ નહીં બલકે રેલવે પરિસરમાં અનધિકૃત પ્રવેશ, અનધિકૃત ફેરી, મહિલાઓનાં
અનામત ડબ્બામાં પુરુષોનો પ્રવેશ અને રેલવે કર્મચારીના નિર્દેશની અવગણના જેવા અન્ય નાના-મોટા
નિયમભંગમાં પણ દંડની જોગવાઈને આકરી કરી નાખવામાં
આવી છે. આ નવા નિયમો 19મી જૂનથી લાગુ થઈ ગયા છે. લાંબા સમયથી અપરિવર્તિત ચાલતી આવેલી
દંડની રકમને વધુ વ્યવહારુ બનાવવાનાં ઉદ્દેશથી પણ આ પગલું ભરવામાં આવ્યું છે. રેલવે
પ્રશાસનનું માનવું છે કે, દંડની રકમ વધારવામાં આવતાં ટિકીટ વગર મુસાફરીનું પ્રમાણ વધશે
અને તેનો સીધો લાભ ટિકીટધારક યાત્રીઓને થશે.