ગુંદરણી
ગામેથી ઝડપાઈ હતી નકલી દારુની ફેક્ટરી
ભાવનગર,
તા.10: ભાવનગર જિલ્લાના મહુવાના ગુંદરણી ગામેથી ગત એપ્રિલ માસમાં પેરોલ ફ્લો સ્ક્વોડે
નકલી દારુની ફેક્ટરી ઝડપી પાડી હતી. જે ચકચારી કેસમાં હવે ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ
દ્વારા મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે.
મહુવા
તાલુકાના ગુંદરણી ગામ હરિપરા રોડ પર બળદેવાસિંહ ભીખુભા ગોહિલે તેમની માલિકીની ‘કેપ્ટન
ફૂડ્ઝ’ કારખાનાની જગ્યા રાકેશ રમેશભાઈ બારૈયા (રહે. મહુવા) અને વિરાજ ઉર્ફે મુન્નો
દાનુભાઈ મોભ (રહે. પાલિતાણા)ને ભાડે આપી હતી. આ શખસોએ રાજસ્થાનથી માણસો બોલાવી કારખાનાની
પાછળના ભાગે આવેલા રૂમમાં નકલી દારૂ બનાવી વેચાણ શરૂ કર્યું હતું. ભાવનગર પેરોલ ફ્લો
સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ગત એપ્રિલ મહિનામાં કૌભાંડ ઝડપ્યું હતું. તે સમયે કુલ
રૂ.15.25 લાખના મુદ્દામાલ સાથે 6 શખસને ઝડપી 9 શખસ સામે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં
ગુનો નોંધાયો હતો. આ કેસમાં અગાઉ જમીન માલિક બળદેવાસિંહ ભીખુભા ગોહિલ સામે પણ ગુનો
નોંધાયો હતો. જેઓ મહુવા ભાજપના નેતાના મોટાભાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જે બાદ
આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી પેરોલ ફ્લો સ્ક્વોડે ગત રોજ રાજેન્દ્રાસિંહ ઉર્ફે
રાજભા ભીખુભા ગોહિલની ધરપકડ કરી છે. જ્યાં નકલી દારૂ બનતો હતો તે જમીન અને કંપની તેમના
નામે હોવાના આધાર પર તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજભા ગોહિલ મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ
છે અને તેમના પત્ની મહુવા નગરપાલિકાના નગરસેવક છે.