• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

મોરબી : 70 લાખના વળતરના દાવા વચ્ચે મંત્રીના જ ભાઈનો વિરોધ

જમીનના બજાર ભાવના 4 ગણા વળતરની માગ અને થાંભલા નાખવા દેવાનો સ્પષ્ટ ઇનકાર

 

મોરબી તા.23 : રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ખેડૂતોને વીજ લાઈનના થાંભલા નાખવા બદલ 70 થી 80 લાખ રૂપિયા વળતર અપાતું હોવાના દાવા સામે હવે તેમના જ સગા ભાઈ રાકેશભાઈ (કારુભાઈ) મેદાને આવ્યા છે. તેમણે એક વીડિયો જારી કરીને મંત્રીના આ દાવાને નકારી કાઢ્યો છે અને વહીવટી તંત્રને આડે હાથ લીધું છે.

કારુભાઈએ સ્પષ્ટ કર્યું છે કે જમીની હકીકત અલગ છે અને ખેડૂતોને આ પ્રકારનું કોઈ મોટું વળતર મળતું નથી. તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારે 70 કે 80 લાખ નથી જોતા, અમારે જમીનના બજાર ભાવના 4 ગણા જોઈએ છે. જો દેવા હોય તો દઈ જાવ, નહિતર તમારા થાંભલા બીજા રાજ્યમાં લઈ જાવ અને અમારી ખેતીની પથારી ન ફેરવો.

પોતાની 25 વીઘા અને આસપાસના ખેડૂતોની 50 વીઘા જમીનનો દાખલો આપતા તેમણે જણાવ્યું કે, ખેતરોમાંથી વીજ તાર અને થાંભલા પસાર થવાથી કાયમી નુકસાન થાય છે. આવી જમીન પછી કોઈ ખરીદવા પણ તૈયાર થતું નથી. જો કોઈ એક થાંભલાના 4 કરોડ રૂપિયા પણ આપે તો પણ ખેડૂતને નુકસાન જ રહેવાનું છે.

અગાઉ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જ થાંભલા નાખી દેવાયા હોવાનો આક્ષેપ કરી તેમણે તંત્રને ચીમકી આપી હતી કે ગેરમાર્ગે દોરવાના ખોટા દાવા બંધ કરો. તેમણે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે કોઈપણ સંજોગોમાં ખેતરોમાં થાંભલા નાખવા દેવામાં આવશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક