ઘર તથા ડેરીમાં પોલીસે રેઈડ કરી 120 કિલો વનસ્પતિ ઘી સહિતની સામગ્રી જપ્ત કરી ઃ છ શખસ વિરુધ્ધ કાર્યવાહી
જામનગર, 23ઃ નકલી પનીર, ભેળસેળીયા ખોરાક, નકલી દારૂ બાદ હવે સૌરાષ્ટ્રમાં નકલી દૂધનો જથ્થો પકડાયો છે. દૂધ અને દૂધની બનાવટનો વપરાશ લગભગ દરેક ઘરમાં થતો હોય છે ત્યારે જામનગરના હરિપર ગામેથી 7150 લીટર
નકલી દૂધ, 120 કિલો
વનસ્પતિ ઘી તથા દૂધ બનાવવાના 15 કિલો
પાવડર સહિતની સામગ્રી પકડાતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે પોલીસે છ શખસ સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર ગામેથી શંકાસ્પદ ભેળસેળયુકત દુધ બનાવતા 6 શખ્સોના ઘર તથા દુધની ડેરી ઉપર પોલીસે રેઇડ કરી હતી. રાજકોટ પોલીસ ટીમે કરેલી આ સંગીન કાર્યવાહીમાં બનાવટી દૂધના સેમ્પલ લઈ સામગ્રીનો નાશ કરાયો હતો અને પકડાયેલ 6 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ બનાવની વિગતો અનુસાર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપર ગામે રહેતા શંકાસ્પદ દુધના ધધાર્થીઓ એવા હરીપરના રબારી પરા માં રહેતા મેરૂભાઇ વીરાભાઇ ભારાઇ, અરજણ હમીરભાઇ હુણ, બધાભાઈ બીપીનભાઇ, મેરભાઇ બધાભાઇ , રાણાભાઇ બટુકભાઇ ભારાઇ, બોધાભાઇ નાથાભાઈ ભારાઈના ઘરે પોલીસે રેઇડ કરી હતી આ સાથે નજીકમાં આવેલી જુદી જુદી ડેરીઓમાં પણ તપાસ કરી હતી. આ રેઈડ દરમિયાન શંકાસ્પદ ભેળસેળ યુકત દુધ બનાવવાનું ચાલુ હોઈ શકાંસ્પદ 7150 લિટર
દૂધ, વનસ્પતી ઘી 120 કીલો
તથા દુધ બનાવવાનો પાવડર 15 કીલો
મળી આવ્યો હતો.
જે અંગે ફુડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલીફોનીક જાણ કરી સ્થળ પર બોલાવતા ફુડ સેફટી ઓફીસર (એફ.એસ.ઓ.) દ્વારા શકાંસ્પદ દુધના જરૂરી સેમ્પલો લઇ તેઓની કચેરી દ્વારા જથ્થાના સેમ્પલ સીલ કરી કબ્જે કરવામા આવ્યા હતા.
તેમજ શકાંસ્પદ ભેળસેળ યુકત બનાવતી દુધ, વેજીટેબલ ઘી, દુધ બનાવવાનો પાવડર જે
પર્યાવણ માનવ જિંદગીને નુકસાન કરતા હોવાથી તે જગ્યાએ ફુડ સેફટી ઓફીસર દ્વારા તમામ સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો તથા આ ઘટનામાં સંડોવાયેલા શખસો વિરૂધ્ધ ફુડ સેફટી ઓફીસર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જે કાર્યવાહીમાં રાજકોટ તેમજ જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી.