• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

અમદાવાદમાં 30થી વધુ મેડિકલ સ્ટોરમાંથી 1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરાયો

લખનઉથી અમદાવાદ, સાણંદ અને સેટેલાઇટ સુધીની દવાની સપ્લાય ચેન સામે આવી

અમદાવાદ, તા.22 : અમદાવાદમાં બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદે દવાઓના વેચાણ સામે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મળેલી બાતમીના આધારે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ સઘન તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 30થી વધુ મેડિકલ સ્ટોર અને પેઢીઓમાં તપાસ કરવામાં આવી છે.

તંત્રને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિ., ભરૂચ દ્વારા બનાવવામાં આવતી નિકાર્ડીયા રિટાર્ડ-10 ટેબ્લેટના બેચ નંબર ACG25007ની બનાવટી દવા વેચાતી હોવાની માહિતી મળી હતી. આથી 19 ઓગસ્ટથી તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન પાલડીની પાર્શ્વ મેડિકલ એજન્સી મારફતે ભાવનગરની એપેક્સ ફાર્મા એજન્સી અને ત્યારબાદ ટીમ્બી મેડિકલ સ્ટોર્સને પહોંચાડાયેલા નિકાર્ડીયા રિટાર્ડ-10ના 590 ટેબ્લેટનો જથ્થો જપ્ત કરાયો છે. ઉપરાંત નિકાર્ડીયા રિટાર્ડ-20, સિલાકર-5, સિલાકર-10 અને સિલાકર ટીએમ-50 સહિત અન્ય શંકાસ્પદ દવાઓના નમૂના પણ લેવામાં આવ્યા છે. વિવિધ પેઢીઓમાંથી આશરે રૂ.1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં લખનઉથી અમદાવાદ, સાણંદ અને સેટેલાઇટ સુધીની દવાની સપ્લાય ચેન સામે આવી છે. તંત્ર દ્વારા ખરીદ-વેચાણની વિગતો પણ તપાસવામાં આવી રહી છે. તપાસનો વ્યાપ ઉત્પાદક સુધી લઈ જવાશે. જરૂર જણાશે તો સંડોવાયેલા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. સમગ્ર મામલે તપાસ હજુ પણ સતત ચાલુ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક