જહાજમાં 24 ક્રૂ મેમ્બર હતા સવાર ઃ બે બચાવાયા, અન્યોની શોધ માટે ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડની કવાયત
બંગાળની ખાડીમાં ઉતાર્યા ત્રણ યુદ્ધ જહાજ
નવી દિલ્હી, તા. 23 ઃ ઓરિસ્સાના તટ નજીક એક કાર્ગો જહાજ સાથે મોટી દુર્ઘટના બની હતી. જહાજ તટથી 240 નોટિકલ
માઈલ દૂર ડૂબી ગયું હતું. માહિતી અનુસાર એમવી ઓશન વિનર નામનું જહાજ ઓરિસ્સાના પારાદીપ પોર્ટથી નિકળ્યું હતું. જેમાં 24 ક્રૂ
સભ્ય સવાર હતા. રેસ્કયુ ઓપરેશનમાં બેને બચાવી લેવાયા હતા.જ્યારે બાકીના લોકોની શોધ માટે મિશન શરૂ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે શ્રીવિજયપુરમ સ્થિત કન્ટ્રોલ રૂમને 22 ઓગસ્ટના
રોજ સૂચના મળી હતી કે જહાજ સાથે સંપર્ક તૂટી ગયો છે. બાદમાં જહાજ ડૂબ્યું હોવાની સૂચના મળતા જ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળે સંયુક્ત બચાવ અભિયાન શરૂ કર્યું હતું. આ માટે કોસ્ટગાર્ડના જહાજ વરદ અને અનમોલને રવાના કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિસ્તારના અન્ય જહાજોને પણ એલર્ટ કરીને રેસ્કયુમાં મદદ કરવા કહેવામાં આવ્યું હતું.
આ જહાજના 24 ક્રૂ
મેમ્બરમાંથી 20 ચીનના
હતા. જ્યારે ત્રણ મ્યાંમાર અને એક વ્યક્તિ બંગલાદેશી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી બે લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે અન્યોને શોધવા માટે યુદ્ધના ધોરણે રેસ્કયુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે નૌકાદળે બંગાળની ખાડીમાં ત્રણ યુદ્ધ જહાજ ઉતાર્યા હતા. જહાજ પારાદીપથી ચીન માટે રવાના થયું હતું. મ્યાંમારના રસ્તે આગળ વધતા સમયે જ જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.