બંગલાદેશ પહેલી ઇનિંગમાં 64મા ઓલઆઉટ : ઓસ્ટ્રેલિયાના દિવસના અંત સુધીમા 8 વિકેટે 165
નવી દિલ્હી, તા. 22 : ઓસ્ટ્રેલિયા અને બંગલાદેશ વચ્ચે
ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો ગ્રેટ બેરિયર રીફ અરિનામાં રમાઈ રહ્યો છે. આ મુકાબલાનો
પહેલો દિવસ બોલરોના નામે રહ્યો હતો અને કુલ 18 વિકેટ પડી હતી. બંગલાદેશની પહેલી ઇનિંગ
માત્ર 64 રનમાં સમેટાઈ હતી. જો કે બાદમાં મહેમાન ટીમના બોલરોએ જોરદાર પલટવાર કરતા દિવસના
અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાના પણ આઠ બેટ્સમેનને પેવેલિયન મોકલી દીધા હતા. સ્ટમ્પ્સ સુધીમાં
ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 165 રન કર્યા હતા અને તેની પાસે 101 રનની સરસાઈ છે. કેમરન ગ્રીન
51 અને નાથન લાયન 10 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.
બંગલાદેશ
માટે દિવસની શરૂઆત કોઈ ખરાબ સપના જેવી રહી હતી. મિચેલ સ્ટાર્કની સામે ટોપ ઓર્ડર ઘૂંટણીયે
આવ્યો હતો અને સાત ઓવરમાં જ સ્કોર પાંચ વિકેટે 12 રન થયો હતો. મુશ્ફિકુર રહીમ અને મેહદી
હસને ઇનિંગ સંભાળવાની કોશિશ કરી હતી પણ ઓસ્ટ્રેલિયાએ દબાણ ઘટવા દીધું નહોતું. લંચ સુધીમાં
બંગલાદેશે 6 વિકેટે માત્ર 35 રન કર્યા હતા. બાદમાં પૂરી ટીમ 34 ઓવરમાં 64 રને ઓલઆઉટ
થઈ હતી.
માત્ર
64 રન બાદ બંગલાદેશના બોલરો પાસે ભૂલની સંભાવના ઓછી હતી. બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો
ઉપર શરૂઆતથી દબાણ બનાવીને ટીમને મુકાબલામાં પરત લાવવાની કોશિશ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ
ઝડપથી રન કરતા 9.5 ઓવરમાં જ 50નો આંકડો મેળવી લીધો હતો. જો કે ત્રણ વિકેટ પણ ગુમાવી
હતી. બાદમાં સ્ટિવ સ્મિથ અને કેમરન ગ્રીને બાજી સંભાળી હતી. બન્નેએ ચોથી વિકેટ માટે
77 રનની ભાગીદારી કરી હતી. સ્મિથ 42 રને આઉટ થયા બાદ ગ્રીને એક છેડો સંભાળી રાખ્યો
હતો. જેના પરિણામે ઓસ્ટ્રેલિયાએ દિવસના અંત સુધીમાં 100થી વધુ રનની સરસાઈ મેળવી હતી.
બંગલાદેશ તરફથી શોરિફુલ ઈસ્લામે છ વિકેટ લીધી હતી.