કપ્તાન ગિલની અર્ધસદી ઃ જાડેજા 43 રને દિવસની આખરી ઓવરમાં આઉટઃ શ્રીલંકા તરફથી ફર્નાન્ડોની 3 વિકેટ
કોલંબો, તા.23 ઃ પ્રતિભાશાળી યુવા ડાબોડી વનડાઉન બેટર દેવદત્ત પડીક્કલની સતત બીજી સદીની મદદથી શ્રીલંકા સામેના બીજા ટેસ્ટના પ્રારંભે ભારતે પ વિકેટે 300 રન કરી તેની સ્થિતિ મજબૂત કરવા તરફ આગેકૂચ કરી હતી. ઇન ફોર્મ દેવદત્ત પડીક્કલે 193 દડામાં
12 ચોક્કાથી 117 રનની
આકર્ષક ઇનિંગ રમી હતી. આ સિવાય ભારતીય કપ્તાન શુભમન ગિલે અર્ધ શતકીય ઇનિંગ રમી હતી. રવીન્દ્ર જાડેજા દિવસની આખરી ઓવરમાં 43 રને આઉટ થયો હતો. મેચના આજે પહેલા દિવસે ભારતીય વિકેટકીપર ઋષભ પંત હાથના દડો લાગવાથી 3 રને રિટાયર્ડ હર્ટ થયો હતો.
ટોસ જીતી બેટિંગ પસંદ કરનાર ભારતને કેએલ રાહુલ (18)ના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી હતી જ્યારે યશસ્વી જયસ્વાલ પ3 દડામાં 9 ચોક્કાથી 4પ રનની આકર્ષક ઇનિંગ રમી ફર્નાન્ડોના બોલમાં બોલ્ડ થયો હતો. આઉટ થયા પછી શ્રીલંકન ખેલાડી અને જયસ્વાલ વચ્ચે બોલાચાલી થઈ હતી. જયસ્વાલે ફર્નાન્ડો સાથે માથું ભટકાડયું હતું.
66 રને બે વિકેટ પડયા બાદ પડીક્કલ અને કપ્તાન ગિલ વચ્ચે ત્રીજી વિકેટમાં 209 દડામાં
120 રનની શાનદાર ભાગીદારી થઇ હતી. ગિલ 108 દડામાં
6 ચોક્કાથી પ0 રને આઉટ થયો હતો જ્યારે પંત 3 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. જાડેજાએ 83 દડામાં
4 ચોક્કાથી 43 રન બનાવ્યા હતા. પહેલા દિવસની રમતના અંતે ધ્રુવ જુરેલ 7 અને સારાંશ જૈન 4 રને નોટઆઉટ રહ્યા હતા. ભારતના 8પ ઓવરમાં પ વિકેટે 300 રન થયા હતા. શ્રીલંકા તરફથી અસિતા ફર્નાન્ડોએ 3 વિકેટ લીધી હતી.
ભારતીય ઇલેવનમાં 33 વર્ષીય
સ્પિનર સારાંશ જૈનનો કુલદીપ યાદવનાં સ્થાને સમાવેશ થયો હતો. કપ્તાન ગિલે ટોસ સમયે જણાવ્યું કે કુલદીપને તાવ છે. આથી તે પસંદગી માટે ઉપલબ્ધ ન હતો.